રાજકોટ – ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓને આશ્રય સહિતની તમામ સુવિધા એક જ સ્થળેથી મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર રાજકોટની સિવિલ હોસ્પિટલના કેમ્પસ ખાતે કાર્યરત છે. આ સેન્ટરની જિલ્લા વ્યવસ્થાપન સમિતિની બેઠક જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અઘ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
આ સખી વન સ્ટોપ સેન્ટર – રાજકોટ ખાતે કોઈ પણ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને તબીબી સહાય, પોલીસ સહાય, કાયદાકીય સહાય, સામાજિક સમસ્યામાં પરામર્શ અને હંગામી ધોરણે આશ્રય આપવામાં આવે છે. હાલના બિલ્ડીંગની વ્યવસ્થા હંગામી ધોરણે કાર્યરત છે. સખી વન સ્ટોપ સેન્ટર,, રાજકોટના નવા બિલ્ડીંગ માટે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સામે કાયમી જગ્યા ફાળવવામાં આવી છે. આ જગ્યાની કલેકટર અરુણ મહેશ બાબુ અને એડી. ડિસ્ટ્રિક્ટ જજ મહોદયા કે.ડી.દવેએ મુલાકાત લીધી હતી. તેમજ નવા કાયમી બિલ્ડીંગના નિર્માણ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી ઓને જરૂરી સુચનાઓ આપી હતી. જેતપુર ખાતે નવા સ્થપાનાર સખી વન સ્ટોપ સેન્ટર અંગે અધિકારી ઓ સાથે પરામર્શ કર્યો હતો.
- Advertisement -
આ બેઠકમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, સિવિલ સર્જન આર.એસ.ત્રિવેદી, ડો. જે.કે.નથવાણી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી કિરણબેન મોરીયાણી, સિની. રેસીડન્ટ ડો. ખીમજી દેવાડા, રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સેજલ પટેલ, સંકલીત બાળ વિકાસ વિભાગના પ્રતિનીધી હેતલ શાહ સહિતના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.