બૅન્કને ‘ચૂનો’ કોઇએ લગાડયો અને ભોગવવું પડ્યું નાની-મોટી મંડળીઓએ: જિલ્લા બૅન્કના રોકડ શાખાના નિયમો મંડળીઓને અમાન્ય: કેટલીક મંડળીઓની સ્થિતિ કફોડી બની: ધિરાણ પ્રવૃત્તિ બંધ કરવાની નોબત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
- Advertisement -
રાજ્ય સરકાર સહકારી પ્રવૃત્તિને વેગ આપવા અથાગ પ્રયાસો કરે છે પણ બેંકો પોતાની રીતે નિયમો એવા કડક બનાવી દયે છે કે સહકારી પ્રવૃત્તિઓને ફટકો પડી રહ્યો છે. આજે રાજ્ય સરકારે વિવિધ મંડળીઓ – સભાસદ જોગ એક પરિપત્ર બહાર પાડી સહકારી મંડળીઓ અને સભાસદોને જીલ્લા મધ્યસ્થ બેંકમાં ખાતાઓ ખોલવાની સૂચના આપી છે પણ જીલ્લા બેંક “સહકાર” બદલે ‘અસહકાર’માં વધુ માનતી હોય તેવું વિવિધ સહકારી મંડળીઓનું કહેવું છે. રાજકોટની અનેક મંડળીઓ માટે રાજકોટ જિલ્લા બેંકે એવા આકરા નિયમો બહાર પાડયા છે જે હેઠળ ખાતા ખોલવાની વાત તો એકબાજુ રહી પણ વિવિધ મંડળીઓ ખાતાઓ – સુવિધાઓ – રોકડ શાખ વગેરે બંધ કરી ટપોટપ આ બેંક સાથે પોતાના નાતો તોડી રહી છે. રાજકોટની ટોચની સહકારી મંડળીઓના હોદ્દેદારોએ જિલ્લા બેંક પ્રત્યે ભારે નારાજગી દર્શાવતા આરોપ મૂક્યો છે કે બેંક ‘સહકારી’ પ્રવૃત્તિની વ્યાખ્યા ભુલી ગઇ હોય તેવું વર્તન અમારી સાથે દાખવી રહી છે. જે – જે મંડળીઓના આ બેંક સાથે ચાર થી પાંચ દાયકાના સંબંધો હોય તો તે પણ તૂટી રહ્યા છે.
એક મંડળીના હોદ્દેદારના જણાવ્યા પ્રમાણે રાજકોટ જીલ્લા બેંકની નીતિ ‘પાડાના વાંકે પખાલીને ડામ’ જેવી છે. બેંકને ચૂનો કોઇ લગાવે અને ભરપાઇ કે ભોગવવાનું બીજી મંડળીને આવે. અત્રે એ નોંધનીય છે કે, રાજકોટ જિલ્લા બેંકને એક મંડળીએ 13 થી 15 કરોડનો ‘ધુંબો’ મારી દેતા બેંક હલબલી ઉઠી હતી અને તેણે ધડાધડ પગલાઓ લેવાનું શરૂૂ કર્યું. નાબાર્ડની સૂચના હોવાનું કહી આ બેંકે રોકડશાખ લેતી મંડળીઓ માટેના નિયમો એવા આકરા બનાવી દીધા કે જે કોઇપણ મંડળીને પરવડે નહિ તેથી મંડળીઓએ ગમે ત્યાંથી પૈસા ભેગા કરી બેંકની રોકડશાખ બંધ કરી, ખાતા બંધ કરી દીધા.
જિલ્લા બેંકે રોકડશાખ માટે વ્યાજ 9.50%થી વધારી 11 ટકા કર્યું. લોનની સત્તા મંડળી પાસેથી આંચકી પોતાના હસ્તક લીધી, દરેક લોન લેનાર માટે જિલ્લા બેંકમાં ખાતુ ખોલાવવું ફરજીયાત કર્યું, હોદ્દેદારોને બોન્ડ ભરવા જણાવ્યું, મંડળીઓ પાસેથી બેંકે ચેકબુક પરત લઇ લીધી. આ પ્રકારના નિયમો ઉપરાંત અમુક વખત બેંકના ઉચ્ચ હોદ્દેદારોએ મંડળીઓ સાથે ‘ધમકી’ ભરી ભાષામાં પણ વાત કરી હોવાનું એક મંડળીના હોદ્દેદાર જણાવે છે. એટલું જ નહિ બેંકને રજૂઆતો કરી પણ પરિણામ શૂન્ય આવ્યું.
- Advertisement -
એક મંડળીના હોદ્દેદારના જણાવ્યા પ્રમાણે રાજકોટની વાત કરીએ તો એલઆઇસી, એજી, બેંક, શિક્ષકો સહિતની મંડળીઓએ આ બેંક સાથે નાતો તોડયો છે અથવા તો રોકડશાખના નિયમો નહિ સ્વીકારી ખાતા બંધ કર્યા છે.
એક બાજુ સરકાર સહકારી પ્રવૃત્તિને વેગ આપવા પ્રયાસ કરે છે ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક જે તે મંડળીનો ઇતિહાસ, તેની કામગીરી, દાયકાના સંબંધો વગેરે ધ્યાને લઇ નિયમો રળવા કરે એ ઇચ્છનીય છે.