અનિરુદ્ધ નકુમ
રાજકોટમાં કૌભાંડોની જેમ કોરોના એવો વકરતો જાય છે કે સર્જિકલ સ્ટ્રાઈક જેવા ઍકશન સિવાય કોઈ આરો નથી પણ રાજકોટવાસીઓનો કમનસીબે સરકારી તંત્ર મીટિંગો અને રિવ્યૂ બેઠકોમાં જ ઈતિસિધ્ધમ માનીને બેસી રહ્યું છે. ખાટલે મોટી ખોડ કે નધરોળ તંત્રને ટપારવાની સત્તા જેમની પાસે છે અને લોકો પણ કડક કાર્યવાહીની જેમની કનેથી અપેક્ષા સેવી રહ્યા છે તે કોરોનાએ ફેણ માંડી ત્યારથી માંડી આજપર્યંત રાજકોટ નિ:સહાય, એકલવાયું અને સતત ફફડતું રહ્યું છતાં ભોજિયાભાઈએ દરકાર લીધી નહોતી. રાજકોટ એક સમયે કોરોના બાબતે નિર્મિક હતું કેમ કે અહીં કદાપિ કોરોના ‘કોળાય’ એમ નહોતો પરંતુ બેદરકાર અને બૂડથલ તંત્રએ જરાઈ તકેદારી ન રાખી અને ‘બહાર’થી ચેપી લોકો ઘૂસી આવ્યા. જંગલેશ્ર્વરથી કોરોનાની બોણી એવી થઈ કે આજ પર્યત આખુ નગર ‘ધમણ’ની જેમ શ્ર્વાસ લઈ રહ્યું છે. કોરોના સંક્રમિત, પોઝિટિવ્સ દર્દીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી, સામાપક્ષે તંત્ર જવાબદારીની દૃષ્ટિએ તદ્દન નીચી પાયરીએ જઈ લગભગ તળિયાઝાટક થતું ગયું. રાજકોટ સિવિલ હોસ્પિટલથી માંડી સરકારે જે જે હોસ્પિટલોને કોવિડ-19 માટે એકવાયર કે રિઝર્વ રાખી ત્યાં નક્કર સેવા ઓછી ને નગદ-મેવાની ગણતરી વધુ થવા લાગી. બાકી હતું તે તંત્રએ ઢાંકપિછોડો કરી પુરુ કર્યું. આખરે નોબત ત્યાં આવીને પહોંચી કે રાજકોટ કોરોનાનાં સંક્રમિતો અને મોતને ભેટનારાની દૃષ્ટિએ અત્યંત ‘સંવેદનશીલ’ બની ગયું. હોટસ્પોટ શબ્દ હવે ટૂંકો પડે છે. રાજકોટ હવે ડેથ-સ્પોટ બનતું જાય છે. આ સંજોગોમાં સર્જિકલ સ્ટ્રાઈક જેવા એક્શનની તાતી જરૂર છે, નહીં કે મીટિંગ-ચીટિંગના દેખાડાની !
અહીં તો અંધેર નગરી ને ગંડૂ રાજા છે રાજકોટના એકપણ દર્દીને રાતીપાઈનો ફાયદો થયો હોય તો. રાજકોટમાં રોજના પાંચ ડઝન લોકો ખાટલે પડે છે અને 10થી વધુ લોકો તો ‘રામપ્યારા’ થઈ રહ્યા છે. મોતનો આંકડો ચિંતા ઉભી કરી રહ્યો છે છતાં તંત્ર માત્ર મીટીંગોમાં જ વ્યસ્ત છે રાજકોટ કોરોનામાં રામ ભરોસે છે આગામી દિવસોમાં તંત્ર જો ધ્યાન નહીં આપે તો પરિસ્થિતિ વધુ બગડી શકશે?