થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં સ્પેશિયલ પોક્સો કોર્ટનો મહત્વનો નિર્ણય; હરિયાણાથી પકડાયેલા આરોપીને અદાલતે રેગ્યુલર જામીન પર મુક્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના આજી જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી 17 વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુનામાં પકડાયેલા આરોપી રાજા ગણેશ આહીરવારને રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. સપ્ટેમ્બર 2025થી જેલ હવાલે રહેલા આરોપીના બચાવ પક્ષની દલીલો અને કાયદાકીય પાસાઓને ધ્યાને રાખી અદાલતે આ આદેશ આપ્યો છે.
કેસની વિગત મુજબ, ગત તા. 09/08/2025ના રોજ ભોગબનનાર સગીરા અને તેનો ભાઈ આઈસ્ક્રીમ પાર્લર પર ગયા હતા, જ્યાંથી સગીરા રહસ્યમય રીતે લાપતા થઈ હતી. પિતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી રાજા આહીરવાર સગીરાને લલચાવી ફોસલાવીને મધ્યપ્રદેશ અને હરિયાણા લઈ ગયો હતો. અંતે હરિયાણાના ઢાલોરા ખાતેથી પોલીસ આરોપી અને સગીરાને શોધી કાઢ્યા હતા. સગીરાના નિવેદન બાદ આ કેસમાં બી.એન.એસ. (ઇગજ) ની કલમો 64(1), 64(2)(એમ) અને પોક્સો એક્ટની કલમ 4, 6 નો ઉમેરો કરવામાં આવ્યો હતો.
આરોપીએ જામીન પર છૂટવા માટે કરેલી અરજી પરની સુનાવણી દરમિયાન આરોપી પક્ષના એડવોકેટો દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે પોલીસ તપાસના કાગળો અને બનાવની પરિસ્થિતિ જોતા આરોપીને જેલમાં રાખવો ઉચિત નથી. વધુમાં, સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને જામીન માટે રજૂઆત કરવામાં આવી હતી. અદાલતે બંને પક્ષોની દલીલો અને લેખિત-મૌખિક પુરાવાઓને ધ્યાને લઈ આરોપી રાજા આહીરવારને રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા અને યોગેશ એ. જાદવ દ્વારા કાનૂની લડત આપવામાં આવી હતી. આ ટીમની મદદમાં મદદનીશ તરીકે અભય ચાવડા, વિક્રમ કિહલા, સંજય મકવાણા, વિશાલ ડેડાણીયા અને ગૌરવ જરીયા રોકાયેલા હતા.



