10 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી થકી નાળિયરી, શેરડી, મગફળી, મગ, અડદ, બાજરી, મકાઇ સહિતના પાકનું વાવેતર કરી મેળવ્યું મબલખ ઉત્પાદન
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો આત્મા પ્રોજેક્ટ દ્વારા અપાતી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે. તાલાલા તાલુકાના રાજેશભાઇ રામભાઇ વાઢિયા તેમની 10 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી નારિયેળી, શેરડી, મગફળી, મગ, અડદ, બાજરી, મકાઇ સહિતના પાકનું વાવેતર કરી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે.
- Advertisement -
આ અંગે રાજેશભાઇએ જણાવ્યું હતું કે, વર્ષ 2016માં જામકંડોરણા ખાતે સુભાંષ પાલેકર પ્રાકૃતિક ખેતી શિબિર કરી અને 2019માં 7 દિવસની પ્રાચી મુકામે સુભાંષ પાલેકર પ્રાકૃતિક ખેતી શિબિરમાં તાલીમ લીધી હતી. ત્યારથી જ 100% પ્રાકૃતિક કૃષિમાં ઝંપલાવ્યું હતું. તેમજ સોશિયલ મીડિયા અને પુસ્તકોમાંથી માહિતી મેળવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને રાસાયણિક ખેતી પહેલેથી જ પસંદ ન હતી. મારા માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી સોનામાં સુગંધ ભળે એવી શરૂઆત થઈ, રાસાયણિક ખેતીથી ખેતીનો ખર્ચ વધી જતો તેમજ ધીમે ધીમે ઉત્પાદન પણ ઘટવા લાગ્યું હતું. વધુમાં જમીન બગડતી જતી હતી. પિયતની વધુ જરૂરિયાત રહેતી તેમજ રોગ જીવાતનો ઉપદ્રવ રહેતો હતો.
રાજેશભાઇએ પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવતા ઉમેર્યુ કે, મારી 10 વીઘા જમીનમાં નારિયેળી, શેરડી, મગફળી, મગ, અડદ, તુવેર, ચણા, તલ, બાજરી, કાંગ, સરગવા, શાકભાજી, સૂર્યમુખી, મકાઇ અને ઘાસચારા જેવા પાકોનું વાવેતર કરી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. હવે મને ઓછા ખર્ચે વધુ આવક મળી રહી છે.
વિવિધ પાકોમાં જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, તેમજ પ્રાકૃતિક દવાઓના ઉપયોગથી પાક તેમજ જમીનમાં ઉત્પાદન, ક્વોલિટી સહિતમાં સુધારો જોવા મળ્યો છે.
જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ વધવાથી માટી મુલાયમ બની છે. ડ્રીપ તેમજ આચ્છાદનથી પિયત ઓછુ આપવું પડે છે. જેના કારણે અળસિયાનું પ્રમાણ વધ્યું છે. આ સાથે રાજેશભાઇ ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી વેચાણ કરે છે. આથી આવક બમણી થઈ છે.