– ખાંડનો વપરાશ ઈથેનોલ માટે પણ વધી રહ્યો છે
વર્તમાન ખરીફ મોસમમાં દેશમાં શેરડીનું ઉત્પાદન નીચુ રહેવાની શકયતાને ધ્યાનમાં રાખી ખાંડ નિકાસ પ્રતિબંધ સતત બીજા વર્ષે પણ લંબાવાઈ તેવી ધારણાં મૂકવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર તથા ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં વધુ પડતા વરસાદને કારણે પાકનું ધોવાણ થયું છે. ઘરઆંગણે ઈથેનોલ માટે ખાંડના વપરાશમાં વધારો થઈ રહ્યો છે તે પણ નિકાસ પ્રતિબંધનું એક કારણ રહેલું છે.
- Advertisement -
ખાંડ મિલો પાસેથી ખરીદવામાં આવતા ઈથેનોલની લઘુત્તમ કિંમતમાં પણ સરકાર વધારો કરવા યોજના ધરાવે છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં ભારતની ખાંડનો પૂરવઠો અટકી પડતા ન્યુયોર્ક તથા લંડનમાં બેન્ચમાર્ક ભાવમાં ઉછાળો આવ્યો છે. બ્રાઝિલમાં દૂકાળની સ્થિતિને પરિણામે ખાંડના પૂરવઠા પર અસર પડી છે. બ્રાઝિલ વિશ્વનું સૌથી મોટું ખાંડ ઉત્પાદક દેશ છે.
ખાંડની ઘરઆંગણેની માગ સંતોષાયા બાદ સરકારની બીજી અગ્રતા ઈથેનોલ બ્લેન્ડિંગ છે. દેશમાં પેટ્રોલ થકી ફેલાતા પ્રદૂષણને ઘટાડવા સરકાર તેમાં ઈથેનોલના બ્લેન્ડિંગ વધારવા ટાર્ગેટ ધરાવે છે.
ઓકટોબરથી શરૂ થતી નવી ખાંડ મોસમ માટે ઈથેનોલ ખરીદી ભાવમાં પાંચ ટકા વધારો કરવા સરકાર વિચારી રહી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. ૨૦૨૪-૨૫ની મોસમમાં ખાંડનું ઉત્પાદન ઘટી ૩.૨૦ કરોડ ટન રહેવા અંદાજ મૂકવામાં આવી રહ્યો છે, જે વર્તમાન મોસમમાં ૩.૪૦ કરોડ ટન જોવા મળી રહ્યું છે. શેરડીના રસ અથવા સિરપનો ઉપયોગ ઈથેનોલના ઉત્પાદનમાં થાય છે.