સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
કેટલાય એવા છે જે કે યુગો પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે એવા કે જે મુહબ્બતમાં ફાવી ગયા.
– મરીઝ
- Advertisement -
મૂવી શરૂ થાય છે ત્યારે નાયકને મુસાફરી કરતો બતાવાય છે. ત્યારે ગીત વાગે છે.
શોભા મુદગલના વિહ્વળ અવાજમાં ગવાયેલા આ ગીતને સાંભળીને આપણને લાગે કે કૃષ્ણને સમર્પિત ભક્તિગીત છે પણ ના, એવું નથી. આ ગીત નાયકના પાત્રની આખી રૂપરેખા શરૂઆતમાં જ આપણી સામે મૂકી દે છે. નાયકની મુસાફરી પૂરી થાય છે અને તે પોતાના મિત્રોને મળવા જાય છે. કોઈ સ્નેહમિલન નથી પણ ભાઈ દુષ્કર નાણાભીડમાં સલવાયા છે એટલે પૈસાની અરજ કરવા માટે કે જેથી કરીને પોતે નવો વ્યવસાય શરૂ કરી શકે.
જોકે, આ બધા જીગરી ભાઈબંધોની વચ્ચે નાયકને એષણા છે ’ કોઈ ’ ને મળવાની. તે પાત્ર સાથે આપણા હીરોનો ભવ્ય ભૂતકાળ જોડાયેલો છે. ફાઈનલી, નાયક તે કોઈ ના ઘરે પહોંચે અને જુએ તે અલ્લડ છોકરી હવે જાજરમાન ગૃહિણી બની ગઈ છે. મિયા પડ્યા પણ ટંગડી ઊંચી ની જેમ હીરો પોતાની ભૂતપૂર્વ પ્રિયતમાની સામે પોતાની કફોડી હાલતને છુપાવવા મોટી મોટી ડંફાસો મારે છે……
પછી તે નાયિકા પોતાના પ્રિયતમની હાલત સમજી જાય છે કે નહી? તે પણ પોતાની કોઈ વાત છુપાવે છે? ફિલ્મના અંતમાં શું થાય છે? આ બધા જવાબો મેળવવા ફિલ્મ જોવી રહી.
પોતાની વાર્તાને અંતમાં ટ્વીસ્ટ આપવા માટે પંકાયેલા અમેરિકન લેખક વિલિયમ સિડની પોર્ટર એટલે કે ઓ ’હેનરીની વાર્તા ’ ધ ગિફ્ટ ઓફ મજાઈ ’ (કે સર્વિસ ઓફ લવ?)પર આધારિત આ ફિલ્મને કલાત્મક ફિલ્મો માટે વખણાયેલા સદગત રિતુપર્ણો ઘોષે આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. મુખ્ય કલાકારોમાં અજય દેવગણ અને ઐશ્વર્યા રાય છે. ગીતો આમ આવતા નથી પણ પાર્શ્વભૂમિકામાં જ ચાલતા રહે છે. તેમના વડે સંગીત નિર્દેશક દેબજ્યોતી મિશ્રા કાનમાં હળવુ પીછુ ફેરવતા હોય એવું લાગે. ફિલ્મના અમુક દૃશ્યો કોઈ સમર્થ ચિત્રકારના ચિત્ર જેવા લાગે એવી સરસ સીનેમેટોગ્રાફી અવિક મુખોપાધ્યાયની છે.
- Advertisement -
હવે વાત કરીએ બોલિવુડની. રોમેન્ટિક ગીતસંગીત માટે પ્રખ્યાત બોલિવૂડે ઈમાનદારીથી પ્રેમનું ચિત્રણ કર્યું હોય એવા ફિલ્મો જૂજ છે. મુખ્યત્વે એટલે કે તેમાં નાયક સાથે મારા જેવા લોકો કનેકટ થતાં નથી. અહી રોમેન્ટિક એટલે બોલીવુડના મૂવી વાત થાય છે. તેનો નાયક અદભુત ડાન્સ કરે છે, મધુર ગીતો ગાય છે, આકર્ષક દેખાવ ધરાવે છે. આ બધી ફિલ્મો જમીન સાથે જોડાયેલી નથી. મધ્યમવર્ગીય માણસ પણ પ્રેમમાં પડી શકે, તેને પણ વરસાદમાં પ્રેમિકા સાથે હાથમાં હાથ પરોવી નાચવાગાવાનું મન થાય પણ તેની નોકરીનો સમય તેને ટપારે છે. તેને પણ પ્રિયતમાને બધાની વચ્ચે હાથમાં વીંટી લઈને પ્રપોઝ કરવું છે પણ કમબખ્ત લોનના હપ્તા તેના હાથ બાંધી રાખે છે. તેની પણ ઈચ્છા છે કે તે બધાની વચ્ચે પોતાના પ્રેમનો એકરાર કરે પણ કુટુંબ, સમાજના બંધનો અને બધા બંધનોને વળગી રહેવામાં નિહિત એવો મધ્યમવર્ગીય સ્વાર્થ તેને આમ કરતા રોકે છે. આ નાયક હીરો નથી, પરિવારને પ્રેમ કરે છે. ભાગીને લગ્ન કરવા કરતાં બંને પરિવાર હળીમળીને રહે તેમ ઈચ્છે છે. તેના બોલવામાં કોઈ આકર્ષણ કે પ્રભાવ નથી પણ એક નમ્ર લહેજો છે. ખોટું બોલીને કોઈ ઇમ્પ્રેસ કરવામાં તેને ઈમાનદારી નડે છે. તે બહુ ગોરો, નમણો નથી પણ તેના અસ્તવ્યસ્ત વાળ, ઊંડી આંખો, ખીલના આછા ડાઘવાળો ચહેરો તેના પૌરુષત્વની સાબિતી આપે છે.
અજય દેવગણનો મનુ હૂબહૂ મારા જેવો જ છે. મથુરા નગરપતિ ગીત અવિસ્મરણીય છે, અનુ કપૂર જેવો કાટ મકાનમાલિક બધે જોવા મળી શકે. અને એશ જેવી પરિણીતા કોઈપણ ઘરમાં જોવા મળી શકે. અને સૌથી મોટી સરપ્રાઈઝ તો મોલી ગાંગુલીનું પાત્ર છે. આ બધાને લીધે જ રેઈનકોટ મારા માટે કાળજયી ફિલ્મ છે.