ઓઝત નદીમાં પુર આવતા 3 ડેમ ઓવરફ્લો થયાં
જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. શનિવાર અને રવિવારે પડેલા ભારે વરસાદનાં પગલે સોનરખ, ઓઝત નદીમાં પુર આવ્યાં હતાં. ઓઝત નદી ઉપર આવેલા 3 ડેમ ઓવરફ્લો થયા છે. જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ છે. જિલ્લાનાં માણાવદરમાં એક ઇંચ સુધી વરસાદ પડી ગયો હતો.
જૂનાગઢમાં ચોમાસુ જામ્યું છે. જૂનાગઢ જિલ્લામાં શનિવારનાં બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. શનિવારનાં દિવસે અને રાત્રે વરસાદ પડ્યો હતો. તેમજ રવિવારનાં સામાન્ય વરસાદ પડ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં શનિવારનાં પાંચ ઇંચ સુધી વરસાદ પડી ગયો હતો. ખાસ કરીને ગિરનાર જંગલ અને મધ્યગીરમાં ધોધમાર વરસાદ થયો હતો. જેના પગલે નદીઓમાં ઘોડાપુર આવ્યાં હતાં. ગિરનારમાં વરસાદ પડતા સોનરખ, ઉબેણ, ઓઝત નદીમાં પુર આવ્યાં હતાં. ઓઝત નદીમાં પુર આવતા ઓઝત શાપુર ડેમ, ઓઝત વંથલી ડેમ અને આણંદપુર ડેમ ઓવરફ્લો થયા હતાં. આજે પણ ઓઝત શાપુરમાંથી 282.52 ક્યુસેકસ, ઓઝત વંથલીમાંથી 720.42 ક્યુસેકસ અને આણંદપુર ડેમમાં 16.00 ક્યુસેકસ પાણી વહી રહ્યું છે. પ્રથમ વરસાદે જ 3 ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. ઓઝત નદી વહેવા લાગતા ખેડૂતો ખુશ થઇ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં આજે માણાવદરમાં એક ઇંચ વરસાદ થયો હતો. જયારે મેંદરડા અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ થયો હતો.જૂનાગઢ, કેશોદ, માળિયા, વંથલીમાં વરસાદી માહોલ વચ્ચે ઝાંપટા પડ્યાં હતાં.જૂનાગઢ જિલ્લામાં હજુ વરસાદી માહોલ છે.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં વૃક્ષો પડ્યાં
શનિવાર અને રવિવારનાં વરસાદનાં પગલે શહેરમાં ઠેરઠેર વૃક્ષો પડ્યાં હતાં. જૂનાગઢનાં સરદારબાગ, ભવનાથ, બિલખા રોડ, સાબલપુર ચોકડી પાસે વૃક્ષો પડ્યાં હતાં. ફાયર વિભાગ દ્વારા તાત્કાલીક વૃક્ષો દુર કરવામાં આવ્યાં હતાં. જોકે કોઇ જાનહાની થઇ ન હતી.
અનેક રસ્તા બન્યા બિસ્માર
- Advertisement -
કોંગી કોર્પોરેટરની મનપાને તાળાંબંધી કરવાની ચીમકી
પ્રથમ વરસાદે જ જૂનાગઢના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે, તો બીજી બાજુ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જૂનાગઢ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ત્યા તો મનપાની કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યાં છે. જોષીપરા વિસ્તારમાં આવેલી મોટાભાગની સોસાયટીઓમાં ટોરેન્ટ ગેસ લાઇનની કામગીરી બાદ પેચ વર્ક ન થતા પહેલા વરસાદમાં જ આ વિસ્તારમાં ભુવાઓ પડ્યા છે, તો ક્યાંક વાહનો ફસાયાની ઘટનાઓ બનતાં સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં પેચ વર્ક ન થતા પહેલા વરસાદમાં જ કાદવનું સામ્રાજ્ય સર્જાયું છે. આગામી દિવસોમાં આ વિસ્તારના રોડ રીપેર નહીં થાય તો ઉગ્ર આંદોલન ફરજ પડશે તેવું લલિત પરસાણાએ જણાવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગોથી લઈને વોર્ડ વિસ્તારના માર્ગો અતિ બિસ્માર બન્યા છે, પરંતુ મનપાના અધિકારીઓ અને પદઅધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. આગામી દિવસોમાં જો આ વિસ્તારમાં રોડ રસ્તાનું સમારકામ નહીં કરવામાં આવે તો લોકો દ્વારા મનપાને તાળાબંધી કરવામાં આવશે.