શહેરમાં બે દિવસમાં અઢી ઇંચ, વિસાવદરમાં એક ઈંચ વરસાદ ખાબક્યો
જૂનાગઢ જિલ્લામાં બે દિવસથી વરસાદ, 5 તાલુકામાં હજુ મુહૂર્ત નહીં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર અને જિલ્લામાં શનિવારે મેઘ સવારી આવી પહોંચી હતી અને ચોમાસાનો પ્રારંભ થયો હતો. જૂનાગઢ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ થઇ રહ્યો છે. બે દિવસમાં જૂનાગઢ જિલ્લામાં પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે.ત્યારે હજું પાંચ તાલુકામાં વરસાદનું મુહૂર્ત થયું નથી. બે દિવસમાં જૂનાગઢ શહેરમાં અઢી અને વિસાવદર તાલુકામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ શહેરમાં વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. તેમજ મુખ્યો માર્ગો પર વાહન ફસાઇ ગયા હતાં. વિવેકાનંદ સ્કુલનાં મનપા હસ્તનાં ક્રિકેટ મેદાનમાં પાણી ભરાઇ ગયું હતું. જૂનાગઢ જિલ્લામાં સમયસર વરસાદનો પ્રારંભ થયો છે. જિલ્લામાં શનિવારે બપોર બાદ વિસાવદરથી વરસાદની એન્ટ્રી થઇ હતી. માળિયા,ભેંસાણ અને જૂનાગઢ શહેર અને જૂનાગઢ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં શનિવાર અને રવિવાર બે દિવસમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં અઢી ઇંચ, વિસાવદરમાં એક ઇંચ, માળિયા અને ભેંસાણમાં અડધા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. બે દિવસમાં માત્ર પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જયારે કેશોદ, મેંદરડા, માણાવદર, માંગરોળ, વંથલી તાલુકામાં હજુ વરસાદનું મુહૂર્ત થયું નથી. જોકે આ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યાં હતાં. પરંતુ ક્ધટ્રોલ રૂમમાં વરસાદ નોંધાયો ન હતો. સોમવારનાં પણ સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે.બપોરનાં 12:15 કલાકે વરસાદનું આગમન થયું હતું. શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.વરસાદ થતા રસ્તા પર પાણી દોડી ગયા હતાં. હજુ વરસાદ ચાલુ છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદનાં પગલે ઠેર ઠેર પાણી ભરાઇ ગયુ હતું. અનેક જગ્યાએ હજુ પાણી ભરેલા જોવા મળી રહ્યાં છે. વિવેકાનંદ સ્કુલનાં મનપા હસ્તકનાં ક્રિકેટ મેદાનમાં પાણી ભરાઇ ગયું છે. શહેરમાં હાલ ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હોય ઠેર ઠેર પાણી ભરાઇ ગયું છે. તેમજ જે વિસ્તારમાં કામ પૂર્ણ થયું છે તેવા વિસ્તારમાં રસ્તા રિપેર ન કરતા વાહન ફસાઇ રહ્યાં છે. શહેરમાં અનેક જગ્યાએ વાહન ફસાયેલા જોવા મળ્યાં છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે. ત્યા આવી સ્થિતીનું નિર્માણ થતા આગામી સમયમાં વધુ હાલાકીનો સામનો કરવો પડશે. આવી સ્થિતીનાં કારણે મનપાનાં પદાધિકારીઓ અને અધિકારીઓની આકરી ટીકા થઇ રહી છે.
વરસાદથી ઠેર-ઠેર હાલાકી, શહેરનાં માર્ગો પર વાહન ફસાયા
- Advertisement -
ધારાસભ્યનો આક્ષેપ : મનપાએ જ રસ્તાનાં કામ નામંજૂર કર્યા
ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ જણાવ્યું હતું કે, પોતાને મળતી ધારાસભ્ય તરીકેની દોઢ કરોડની ગ્રાન્ટ ઉપરાંત વધારાની 2 કરોડની ગ્રાન્ટ ખાસ જૂનાગઢ શહેરનાં રસ્તાઓનાં નવીનીકરણ માટે રાજ્ય સરકારમાંથી મંજુર કરાવી હતી. આ ગ્રાન્ટને લોકભાગીદારી યોજનામાં સમાવી 20 ટકા લેખે 2 કરોડની ગ્રાન્ટ લોકભાગીદારી યોજનામાં ફાળવી હતી અને 10 ટકા રકમ કોર્પોરેશન સ્વ-ભંડોળમાંથી ભરે એટલે રાજ્ય સરકાર 70 ટકા ગ્રાન્ટ ફાળવે એટલે આ 2 કરોડના સીધા 10 કરોડ થાય. 10 કરોડમાંથી જૂનાગઢની તમામ શેરીઓ સી.સી.રોડથી મઢાઈ જાય. પરંતુ કોર્પોરેશનમાં બેઠેલા શાસકોએ બહુમતીના જોરે સ્ટેન્ડિંગ કમિટીમાં ધારાસભ્ય દ્વારા કરેલા રસ્તાના કામોની તમામ દરખાસ્તો ના મંજૂર કરી નાખી હતી. મનપાનાં પદાધિકારીઓને જ રસ્તાનાં કામ ન થવા દીધા.
શહેરનાં અક્ષર મંદિરથી આગળનાં વિસ્તારમાં સામાન્ય વરસાદ
જૂનાગઢ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ થઇ રહ્યો છે. બે દિવસમાં અઢી ઇંચ વરસાદ થયો છે. પરંતુ જૂનાગઢનાં અક્ષર મંદિરથી આગળનાં વિસ્તારમાં એટલે કે મધુરમ બાયપાસ, વાડલા ફાટક બાજુ ઓછો વરસાદ છે. આ વિસ્તારમાં સામાન્ય વરસાદ થયો છે. શહેરમાં વરસાદ ચાલું હોય ત્યારે આ વિસ્તારમાં માત્ર છાંટા પડતા હોય છે.