120થી વધારે મોત, મૃત્યુઆંક વધશે
સેંકડો પરિવારો ત્રણ દિવસથી અંધારપટ્ટમાં રહેવા મજબૂર
જર્મનીના બે રાજ્યો – રાઈનલેન્ડ પેલેટીનેટ અને ઉત્તર રાઈન વેસ્ટફેલિયામાં પૂરપ્રકોપથી હાહાકાર મચી ગયો હતો. આ બે રાજ્યોમાં જ 90 કરતાં વધુ લોકોનાં મોત થયા હતા. પશ્વિમ યુરોપમાં પૂરના તાંડવથી કુલ મૃત્યુ આંક વધીને 120ને પાર પહોંચી ગયો હતો. જર્મની અને બેલ્જિયમમાં અસંખ્ય લોકો હજુય લાપતા છે. પશ્વિમ યુરોપમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી. બે મહિનામાં જે વરસાદ પડે તે માત્ર બે દિવસમાં જ ખાબકી જતાં જર્મની અને બેલ્જિયમની સરહદે હાહાકાર મચી ગયો હતો. કેટલાય હાઈવે બંધ થઈ ગયા હતા. વાહન-વ્યવહાર ખોરવાઈ જતાં અસંખ્ય લોકો અધવચ્ચે ફસાઈ ગયા હતા.ભારે તોફાન અને વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની ગઈ હતી. ઠેર-ઠેર પાણી ઘૂસી જતાં કેટલાય નાનકડા ટાઉન અને ગામડાં સંપર્ક વિહોણા બની ગયા હતા. છેવાડાના વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સર્વિસ બંધ થઈ જતાં લોકોનો સંપર્ક સાવ તૂટી ગયો હતો. વીજળી ગૂલ થઈ જતાં સેંકડો પરિવારો છેલ્લાં બે-ત્રણ દિવસથી અંધારપટ્ટમાં રહેવા મજબૂર બન્યા હતા. સ્થાનિક ગવર્નર ઓફિસમાંથી માહિતી આપવામાં આવી હતી કે બચાવ ટૂકડીઓ ફસાયેલા લોકોને બહાર કાઢવાની મથામણમાં પડયા છે. છતાં હજુય 1500 જેટલાં લોકો લાપતા છે.