રાહુલ ગાંધીએ તરત જ ભૂલ સુધારી લીધી હતી, પણ બુંદ સે બિગડી હોજ સે નહીં આતી
ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસ પક્ષના નેતાઓએ રવિવારે રાજધાનીમાં હલ્લાબોલ રેલી દ્વારા મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર કેન્દ્રમાં સત્તારૂઠ એનડીએ સરકારની આકરી ટીકા કરી હતી. આ ટીકા દરમિયાન રાહુલ ગાંધીએ છબરડો કર્યો હતો. તેમના આ છબરડાની વિડીયો ક્લિપ વાઇરલ થઈ છે જેમા તેઓ લોટ કેટલા લિટર મોંઘો એવું બોલતા સાંભળી શકાય છે. વાઇરલ ક્લિપમાં ગાંધી કહી રહ્યા છે કે આટા 22 રૂપિયા પ્રતિ લિટર હતો જે 40 રૂપિયા પ્રતિ લિટર છે. સામાન્ય રીતે આટો એટલે કે લોટ કિલો અને તેની સાથે ગ્રામમાં ગણાય છે.
- Advertisement -
રાહુલ ગાંધીએ જો કે તરત જ તેમની ભૂલ સુધારી લીધી હતી. પણ તેમની વાઇરલ થયેલી વિડીયો ક્લિપમાં આ દ્રશ્ય બતાવાતું નથી. તેના પગલે કેટલાય ફેસબૂક યુઝર્સે રાહુલ ગાંધીની ક્લિપ પોસ્ટ કરીને હિન્દીમાં કેપ્શન લખ્યું છે કે આટાનું વેચાણ લિટરમાં ક્યારે થઈ રહ્યું છે? રાહુલ ગાંધીએ કોમોડિટી માર્કેટમાં કેવી મોંઘવારી છે તેના દર્શાવવા માટે ભાવસૂચિ આપી હતી. રાહુલે ચાર સપ્ટેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. તેમના આ ભાષણને કોંગ્રેસની વેરિફાઇડ યુ ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યુ હતુ. તેમના ભાષણની મધ્યમાં રાહુલ ગાંધીએ 2014માં કેટલીક આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો સાથે તેમની કિંમતોની તુલના કરવાનું શરૂ કર્યુ હતુ. તેમા મોટાભાગના એકમો લિટરમાં હતા. તેથી તેની સાથે આટા પણ લિટરમાં આવી ગયો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મારી પાસે 2014ના આંકડા છે જ્યારે એલપીજી કિંમત 410 રૂપિયા છે અને આજે 1050 રૂપિયા છે.
પેટ્રોલ તે સમયે પ્રતિ લિટર 75 રૂપિયા હતુ. આજે તે 100 રૂપિયાની આસપાસ છે.
ડીઝલ પ્રતિ લિટર 55 રૂપિયા હતું જે આજે 90 રૂપિયા પ્રતિ લિટર છે.
સરસવનું તેલ પ્રતિ લિટર 90 રૂપિયામાં મળતું હતું અને આજે તે પ્રતિ લિટર 200 રૂપિયા છે. દૂધ 35 રૂપિયા પ્રતિ લિટર હતુ, જે આજે 60 રૂપિયા છે. લોટ 22 રૂપિયા પ્રતિ લિટર હતો જે આજે 40 રૂપિયા પ્રતિ લિટર છે. જો કે આટાનું વાક્ય તેમણે તરત જ સુધાર્યુ હતુ. તેમણે જણાવ્યું હતું કે એકબાજુએ લોકો બેરોજગારીનો ભોગ બની રહ્યા છે તો બીજી બાજુએ ભયંકર મોંઘવારી છે. આ વાઇરલ ક્લિપમાં તે વિડીયો જોવા મળતો નથી જ્યાં રાહુલ ગાંધી પોતાની ભૂલ સુધારે છે.