સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. એવામાં સંસદની અંદર અને બહાર પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક હુમલાઓ થઈ રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે બજેટ ભાષણ પર ચર્ચા દરમિયાન સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. એવામાં હવે હિમાચલ પ્રદેશની મંડી સીટથી લોકસભા સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે રાહુલ ગાંધીના ભગવાન શિવજીનું સરઘસને લઈને આપેલા નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીના નિવેદન પર કંગનાએ કર્યા આકરા પ્રહાર
કંગનાએ કહ્યું, ‘આપણી લોકશાહીમાં વડાપ્રધાન લોકતાંત્રિક રીતે ચૂંટાય છે. શું પીએમની પસંદગી લિંગ, ઉંમર, જાતિ અને વર્ગને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે? રાહુલ ગાંધી આવી વાતો કરીને દરરોજ બંધારણને ઠેસ પહોંચાડે છે.’ આ દરમિયાન કંગનાએ સવાલ ઉઠાવ્યો કે શું હવે વડાપ્રધાનની પસંદગી ઉંમર અને લિંગના આધારે કરવામાં આવશે? આવતીકાલે તેઓ કહેશે કે સ્કીનના કલરના આધારે વડાપ્રધાનની પસંદગી થશે. તો શું તેમને લોકશાહીનું સન્માન નથી?
- Advertisement -
સંસદમાં કોમેડી શો કર્યો…
રાહુલ ગાંધી પર નિશાન સાધતા કંગનાએ કહ્યું હતું કે, ‘ગઈકાલે પણ તેઓએ સંસદમાં કોમેડી શો કર્યો હતો, તેમના (રાહુલ)માં કોઈ ગરિમા નથી. તેઓ કહી રહ્યા હતા કે શિવજીનું સરઘસ છે અને આ ચક્રવ્યૂહ છે. મને લાગે છે કે રાહુલ ગાંધી ડ્રગ્સ લે છે, જેની તપાસ થવી જોઈએ. તેમજ જે હાલતમા તેઓ સંસદમાં આવીને બકવાસ વાતો કરે છે, એ જોઈને કાલે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. જે રીતે તેમણે (રાહુલ ગાંધીએ) સંસદમાં આવીને કહ્યું કે આ જે હરીફાઈ છે, શિવજીનું સરઘસ અને આ ચક્રવ્યૂહ….જેવી વાતોથી એવું નથી લાગતું કે આ વ્યક્તિનો ડ્રગ ટેસ્ટ કરાવવો જોઈએ? મને લાગે છે કે તપાસ થવી જોઈએ. કાં તો તે દારૂ અથવા ડ્રગ્સના નશામાં છે.’
ચક્રવ્યૂહ વિશે શું બોલ્યા હતા રાહુલ ગાંધી?
- Advertisement -
લોકસભામાં રાહુલ ગાંધીએ કેન્દ્રીય બજેટની તુલના મહાભારતના ચક્રવ્યૂહ સાથે કરી હતી, જેમાં ચક્રવ્યૂહમાં ફસાઈને અભિમન્યુનું મૃત્યુ થયું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું, ‘જે ‘ચક્રવ્યૂહ’ બનાવવામાં આવ્યું છે તેનાથી કરોડો લોકોને નુકસાન થયું છે. અમે આ ચક્રવ્યૂહને તોડી નાખીશું. તેને તોડવાનો સૌથી મોટો રસ્તો જાતિની વસ્તી ગણતરી છે. જેનાથી તમે બધા ડરો છો. ઈન્ડિ ગઠબંધન આ ગૃહમાં ગેરંટીકૃત કાનૂની MSP પસાર કરશે. અમે આ ગૃહમાં જાતિ ગણતરી પાસ કરીને તમને બતાવીશું.’