જિંદગીના નિર્ણયો દિલથી લેવા જોઈએ કે દિમાગથી? સિદ્ધ મહાત્માઓ એવું કહે છે કે જીવનના તમામ નિર્ણયો ઈશ્વરના હાથમાં સોંપી દો, એ જે કરશે તે યોગ્ય જ હશે.
આ વાત સાચી હશે કે ખોટી એ આપણે જાણતા નથી, કારણ કે આપણામાંથી મોટા ભાગના એવું કરતા નથી. આપણે એવું માનીએ છીએ કે બધું ભગવાન ઉપર છોડી ન દેવાય. મહત્ત્વના નિર્ણયો આપણે આપણી બુદ્ધિથી લેવા જોઈએ. ભગવાનના આધારે નિષ્ક્રિય બનીને બેસી રહેવાથી જે નિર્ણયો લેવાશે અથવા તો જે પરિણામો ભોગવવા પડશે એ માઠાં પણ હોઈ શકે.
અહીં પ્રશ્ન એ રહે છે કે આપણે જે નિર્ણયો આપણી બુદ્ધિથી લીધા છે એ બધા સાચા જ લેવાયા છે? એના કારણે જે પરિણામો ભોગવવાં પડ્યાં છે એ બધાં સાવ સારાં જ હતાં? ક્યારેય માઠાં ન હતાં? એનાથી પણ આગળ વધીને એવો તર્ક કરી શકાય કે આપણે આપણી બુદ્ધિથી નિર્ણયો લઈએ છીએ, પણ આપણામાં એ બુદ્ધિ મૂકી છે કોણે? ઈશ્વરે જ ને! તો પછી આપણી બુદ્ધિથી લેવાયેલા નિર્ણયો પણ આખરે તો ઈશ્વર દ્વારા જ લેવાયા છે ને?
સૌથી મહત્ત્વનો તર્ક એ છે કે જીવનમાં ક્યારેય આપણે આપણી બુદ્ધિ બાજુ પર મૂકીને ભગવાન પર ભરોસો મૂક્યો છે ખરો? એકવાર પ્રયોગ ખાતર એકાદ મહિના સુધી આવું કરીએ તો? આ પ્રયોગ કરવા જેવો છે. સર્વશક્તિમાન ઈશ્વરમાં ખરેખર કેટલી શક્તિ રહેલી છે? એની ખબર પડી જશે.