આજે સોના-ચાંદીની શુભ ખરીદી માટેનું સર્વશ્રેષ્ઠ મુહૂર્ત પુષ્ય નક્ષત્ર છે. સોના-ચાંદી સિવાય પણ દરેક પ્રકારની ખરીદી, નવા કાર્યના આરંભ માટે વિદ્ધાન અને પંડિત તેને સર્વશ્રેષ્ઠ ગણાવે છે. ગુરુપુષ્ય યોગમાં ધર્મ, કર્મ, મંત્રજાપ, ધાર્મિક વિધિઓ, મંત્ર દીક્ષા, વેપાર વગેરે શરૂ કરવાનું અત્યંત શુભ માનવામાં આવે છે, સૃષ્ટિના અન્ય શુભ કાર્યો પણ આ નક્ષત્રમાં શરૂ કરી શકાય છે. પુષ્ય નક્ષત્રની જો સામાન્ય અને બધાને સમજાય તેવી વ્યાખ્યા આપવી હોય તો એમ કહી શકાય કે પુષ્ય નક્ષત્ર એટલે લક્ષ્મીજીને જીવનના આંગણે આવકારવાનો અને વધાવવાનો અદભૂત અને શ્રેષ્ઠ અવસર. પુષ્ય નક્ષત્ર એ નક્ષત્રોનો રાજા છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલા તમામ કાર્યો સર્વદા સ્થિર રહે છે. આમ, આ દિવસે કંઈપણ ખરીદી કરવામાં આવે તેમાં સ્થિરતા રહે છે. તો પછી આજના દિવસે ખરીદી કરો અને ખુશ રહો.
દિવાળીના પર્વ નિમિત્તે ખરીદી કરવાની પરંપરા વર્ષો જૂની છે. આ પ્રસંગે લક્ષ્મી પૂજા અને નવ વર્ષમાં પહેરવા માટે નવા કપડા ઉપરાંત કાર, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, જ્વેલરી જેવી ઘણી બધી વસ્તુઓ ખરીદવામાં આવે છે. અગિયારસ, વાઘબારસ, દિવાળીથી લાભ પાંચમ 5થી 7 દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં મોટાભાગે ધન તેરસના દિવસે સૌથી વધુ ખરીદી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ધન તેરસ પહેલા ખરીદી કરવાનો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. 60 વર્ષ બાદ શનિ-ગુરુના સંયોગમાં ગુરુ પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ શુભ સંયોગમાં તમે ઘર-સંપત્તિ, સોના-ચાંદી, કાર, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, ફર્નિચર વગેરે ખરીદી શકો છો. આ સિવાય પુસ્તકો ખરીદવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે. ખરીદી ઉપરાંત આ દિવસ રોકાણની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ સાબિત થશે.
ટૂંકમાં પુષ્ય નક્ષત્ર ખરીદીમાં શુભત્વ, સિદ્ધિ, સમૃદ્ધિ તેમજ વૈભવ વૃદ્ધિ કરનારું છે. આથી આ નક્ષત્રમાં સોનું, ચાંદી, અનાજ, વસ્ત્રો વગેરેની ખરીદી કરવાનું આગવું મહત્વ છે. કહેવાય છે કે આ નક્ષત્ર પર શનિ અને ગુરુની વિશેષ કૃપા થાય છે.
- Advertisement -
આ વર્ષે 28 ઓક્ટોબરે એટલે કે આજે શનિ અને ગુરુની યુતિ મકર રાશિમાં રહેશે. આ શુભ સંયોગમાં ખરીદી કરવી ઉત્તમ છે. ગોચરમાં પુષ્ય નક્ષત્રના સ્વામી અને ઉપસ્વામીની યુતિ લગભગ 60 વર્ષ બાદ થઈ રહી છે. આ પહેલા આવો શુભ સંયોગ 1961માં બન્યો હતો. પુષ્ય નક્ષત્રનો ખરીદી માટેનો આટલો સુંદર યોગ પણ આશરે અડધી સદી બાદ બની રહ્યો છે ત્યારે તમે પણ આજના દિવસે કંઈકને કંઈક ખરીદી પુષ્ય નક્ષત્રનું મુહૂર્તનો લાભ લઈ શકો છો.