ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય નિશિત ખુંટ તથા અન્ય ખેડૂત આગેવાનો દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને મગફળીની ટેકાના ભાવે ખરીદીના મામલે રજૂઆત કરવામાં આવી છે. ખેડૂત આગેવાનોએ સરકારને મગફળીની ખરીદીની મર્યાદા વધારીને પ્રતિ ખેડૂત 200 મણ કરવા માટે વિનંતી કરી છે.
મગફળીનું પુષ્કળ ઉત્પાદન: ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું પુષ્કળ ઉત્પાદન થયું છે અને અંદાજિત 70 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની શક્યતા છે.
રેકોર્ડબ્રેક નોંધણી: બજારમાં નીચા ભાવ હોવાને કારણે આ વર્ષે ગુજરાતમાં 9.31 લાખ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે ઓનલાઈન પોર્ટલ પર રેકોર્ડબ્રેક નોંધણી કરાવી છે.
ખરીદીનો મર્યાદિત જથ્થો: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાંથી માત્ર 12.67 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે. જો આ જથ્થાને નોંધણી કરાવનાર તમામ ખેડૂતોને સરખા ભાગે વહેંચવામાં આવે, તો એક ખેડૂત પાસેથી સરેરાશ માત્ર 68 મણ મગફળી જ ખરીદી શકાય તેમ છે, જે ગત વર્ષની સરખામણીએ ઘણું ઓછું છે.રજૂઆત કરનારા આગેવાનોએ સરકારને સવાલ કર્યો છે કે, જેમ જીએસટીમાં ઘટાડો કરીને વેપારીઓને ખુશ કરવામાં આવ્યા, તો શું દેશનો નાગરિક એવા ખેડૂતો માટે પણ કોઈ જાહેરાત ન થઈ શકે? આથી, ખેડૂતોને રાહત આપવા માટે સરકારે ખરીદીની મર્યાદા વધારીને પ્રતિ ખેડૂત 200 મણ મગફળી લેવાની જાહેરાત કરવી જોઈએ, જેથી ખેડૂતોને દિવાળી સ્વરૂપે મોટી ભેટ મળી શકે.
રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી છે કે, જો સરકાર દ્વારા 200 મણથી ઓછી મગફળીની ખરીદી કરવામાં આવશે, તો તેઓ ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરશે અને સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરશે. જરૂર જણાશે તો ઉપવાસ આંદોલન પણ કરવામાં આવશે. તેમણે કલેક્ટરશ્રી મારફતે સરકાર સુધી આ માગણી પહોંચાડવા વિનંતી કરી છે.
ટેકાના ભાવે મગફળીની ખરીદી: ખેડૂતોને 200 મણ મગફળી ખરીદવાની છૂટ આપવા માગણી
