મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભજનની રાવટીઓની જમાવટ સાથે હજારો લોકો પિતૃતર્પણ કરશે
શ્રાવણી અમાસ નિમિતે યંગ ઈન્ડિયા ગ્રુપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા બે દિવસીય લોકમેળાનું ભવ્ય આયોજન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જન્માષ્ટમીના બબ્બે લોકમેળાને પ્રચંડ પ્રતિસાદ મળ્યા બાદ મોરબી નજીક રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોથી શ્રાવણી અમાસ નિમિતે ભરાતા પૌરાણિક લોકોમેળાને મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ ભક્તિ સાથે આનંદ કિલ્લોલથી મેળો માણી શકે એ માટે જાંબુડિયા ગ્રામ પંચાયત સાથે મળીને મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આગામી શ્રાવણી અમાસ નિમિતે તા. 14 અને તા 15 એમ લગાતાર બે દિવસ સુધી રફાળેશ્વર મંદિરે “શિવતરંગ” લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભજનની રાવટીઓની જમાવટ સાથે હજારો લોકો પિતૃતર્પણ કરશે.
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા વર્ષોની પરંપરા મુજબ શ્રાવણી અમાસ નિમિતે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં તા.14 અને તા. 15 સપ્ટેમ્બરના રોજ બે દિવસ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આ રફાળેશ્વર લોકમેળાને”શિવતરંગ” નામ આપવામાં આવ્યું છે. આ લોકમેળાને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના અગ્રણીઓની હાજરીમાં તા. 14 ના રોજ સવારે 10 વાગ્યે ઉદઘાટન કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.
આ મેળામાં ભક્તિનું ખાસ મહત્વ હોય એટલે ભગવાન શિવની ભક્તિને ઉજાગર કરતા વિવિધ ભક્તિસભર કાર્યકમો યોજાશે. તા. 14 ની રાત્રે આખી રાત ભજનની રાવટીઓ ધમધમી ઉઠશે. તા. 14 ના રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તા.15 ના રોજ મહાદેવના ગુણગાન ગાતા ભક્તિસભર અને મનોરંજક કાર્યકમો યોજાશે. સાથે સાથે રફાળેશ્વર મંદિરે પ્રાચીન પીપળે પિતૃતર્પણનું મહત્વ હોવાથી હજારો લોકો અમાસના દિવસે ઉમટી પડીને પિતૃતર્પણ કરશે.