કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબીહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકેની બુધવારે (20 સપ્ટેમ્બર) રાત્રે હત્યા કરવામાં આવી છે. આ ઘટના 19 જૂને કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા જેવી જ છે. આરોપીએ સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકેને લગભગ 15 ગોળીઓ મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. તમને જણાવી દઈએ કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા જારી કરાયેલ 41 આતંકીઓની યાદીમાં સુક્ખા દુનિકેનું પણ નામ હતું.
સુક્ખા સામે નોંધાયેલા છે 7 ફોજદારી કેસ
મીડિયા રિપોર્ટ અનુસાર, સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકે વર્ષ 2017માં બોગસ ડોક્યુમેન્ટની મદદથી ભારતથી કેનેડા ભાગી ગયો હતો. સુખદુલ સિંહ વિરુદ્ધ સાત ફોજદારી કેસ નોંધાયેલા છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ આ બીજી મોટી ઘટના છે. ગેંગસ્ટર સુક્ખાને ખાલિસ્તાની આતંકવાદી-ગેંગસ્ટર અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડલ્લાનો રાઈટ હેન્ડ માનવામાં આવતો હતો. તે કેનેડામાં બેસીને તેના સાગરિતો દ્વારા ભારતમાં ખંડણી વસૂલતો હતો.
- Advertisement -
ડીસી ઓફિસમાં કરતો હતો કામ
સુક્ખા દુનિકે પંજાબના મોગાના દુનિકે કલાં ગામનો રહેવાસી છે. તે ગુનાખોરીની દુનિયામાં પ્રવેશતા પહેલા મોગા ડીસી ઓફિસમાં કામ કરતો હતો. તે 2017માં પોલીસની મદદથી બનાવટી દસ્તાવેજો પર પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવીને કેનેડા ભાગી ગયો હતો. ત્યારે તેની સામે સાત ફોજદારી કેસ પેન્ડિંગ હતા.
29 ગેંગસ્ટરો ભારતની બહાર લઈ રહ્યા છે આશ્રય
પંજાબ અને તેની આસપાસના વિસ્તારોમાંથી ઓછમાં ઓછા 29 ગેંગસ્ટર છે, જેઓ કાયદાથી બચવા માટે ભારતની બહાર આશ્રય લઈ રહ્યા છે. તેઓ ઘણા વર્ષો પહેલા નકલી ડોક્યુમેન્ટની મદદથી કાં તો નેપાળના રસ્તેથી દેશ છોડીને ભાગી ગયા હતા.
NIAએ આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહી કરી તેજ
તમને જણાવી દઈએ કે, સુખદુલ સિંહ દુનિકે ટાર્ગેટ કિલિંગ માટે જાણીતો હતો. ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ તેની કાર્યવાહીને વધુ તેજ કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગઈકાલે એટલે કે બુધવારે (20 સપ્ટેમ્બર) અર્શ ડલ્લા ગેંગ પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.