રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજે તા.૫-૭-૨૦૨૧ના રોજ વરિષ્ઠ અધિકારીઓને સાથે રાખી જ્યુબિલી ગાર્ડન અને જિલ્લા ગાર્ડન સ્થિત વોટર પમ્પિંગ સ્ટેશનો અને ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક અને લાઈબ્રેરીની મુલાકાત કરી હતી. મ્યુનિ. કમિશનર એ પમ્પિંગ સ્ટેશનોની ક્ષમતા કેટલી છે અને કયા કયા વોર્ડમાં પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તેની માહિતી મેળવી હતી. સાથોસાથ જિલ્લા ગાર્ડન સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક અને લાઈબ્રેરીની મુલાકાત લઈ વિસ્તૃત વિગતો મેળવી હતી.
જિલ્લા ગાર્ડન પમ્પિંગ સ્ટેશન મારફત શહેરના વોર્ડ નંબર-૭ (પાર્ટ) અને ૧૪(પાર્ટ) જ્યારે જ્યુબિલી પમ્પિંગ સ્ટેશન દ્વારા વોર્ડ નંબર-૨ (પાર્ટ), ૩(પાર્ટ), ૭(પાર્ટ) અને ૧૪ (પાર્ટ)ના વિસ્તારોના કુલ ૧.૨૫ લાખથી વધુ લોકોને પીવાનું પાણી મળી રહ્યું છે. જિલ્લા ગાર્ડનમાં બનાવવામાં આવેલા નવા પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ ગત જાન્યુઆરી – ૨૦૨૧માં રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
વિશેષમાં, જિલ્લા ગાર્ડન સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક અને લાઈબ્રેરીમાં હાલ ૧૮,૦૦૦ જેટલા પુસ્તકો, ૧૨૫ જેટલા મેગેઝિન અને ૨૦ જેટલા અખબારો વાંચકો માટે ઉપલબ્ધ છે. આ લાઈબ્રેરીમાં ૨૩૦ મેમ્બર્સ નોંધાયેલા છે. ઉપરાંત દરરોજ સરેરાશ ૧૦૦ થી ૧૨૫ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો રીડીંગ માટે લાઈબ્રેરીનો લાભ મેળવે છે.
આ સ્થળ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સાથે એડિશનલ સીટી એન્જી. એમ. આર. કામલિયા, સિટી એન્જિનિયર અલ્પના મિત્રા, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, ડેપ્યુટી એન્જિનિયરો કે. પી. દેથરીયા, સુતરીયા, ખખ્ખર, લાઈબ્રેરીયન એન. એમ આરદેસણા, આસિસ્ટન્ટ લાઈબ્રેરિયન દેત્રોજા વગેરે ઉપસ્થિત રહયા હતાં.