ક્ધયા છાત્રાલય અને શનાળા રોડ પર ચક્કાજામ, ડેપ્યુટી કમિશનરને સ્થળ પર લઈ જઈ રસ્તાઓની દુર્દશા દેખાડાઈ: તાત્કાલિક પેચવર્ક શરૂ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
મોરબી શહેરમાં રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના અભાવે નાગરિકોનો ગુસ્સો હવે જાહેરમાં ફાટી નીકળી રહ્યો છે. ચોમાસામાં રોડ પર ઠેર ઠેર પડેલા ખાડાઓને કારણે શહેરીજનો નર્કાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. રાહદારીઓ અને વાહનચાલકો દરરોજ જીવના જોખમે ખાડાઓ અને તેમાં ભરાયેલા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આજે આ સ્થિતિથી ત્રસ્ત મહિલાઓએ ક્ધયા છાત્રાલય રોડ પર ’રસ્તા રોકો’ આંદોલન છેડ્યું હતું.
- Advertisement -
મોરબીના ક્ધયા છાત્રાલય રોડ અને નાની કેનાલ રોડની હાલત અત્યંત દયનીય છે, અને રોડ પરના ખાડાઓથી નાગરિકો તોબા પોકારી ચૂક્યા છે. આજે મહિલાઓએ ક્ધયા છાત્રાલય રોડ પર અને બાદમાં શનાળા રોડ પર ઉતરી આવીને ’રસ્તા રોકો’ આંદોલન કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. ક્ધયા છાત્રાલય રોડ અને નાની કેનાલ રોડ તાત્કાલિક બનાવવામાં આવે તેવી માંગ સાથે મહિલાઓએ રણચંડી રૂપ ધારણ કરી ઉગ્ર દેખાવો કર્યા હતા. મોરબીમાં આમ પણ ટ્રાફિક સમસ્યા સામાન્ય બાબત છે, ત્યારે આજે શહેરના મુખ્ય રાજમાર્ગ સમાન શનાળા રોડ પર ચક્કાજામ થતા વાહનોની લાંબી કતારો લાગી હતી અને શહેરમાં ટ્રાફિકની ભારે અફરાતફરી સર્જાઈ હતી.
શનાળા રોડ પર ચક્કાજામ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. જોકે, સ્થાનિકોએ માત્ર મ્યુનિસિપલ કમિશનર સાથે જ વાત કરવાની જીદ પકડી હતી. આખરે, ડેપ્યુટી કમિશનર સંજય સોની સ્થળ પર આવ્યા હતા, ત્યારે સ્થાનિકો તેમને તૂટેલા રોડ-રસ્તાઓની ભયાવહ હાલત દેખાડવા માટે ઘટના સ્થળ પર જ લઈ ગયા હતા.
ત્રણ કલાકથી વધુ ચાલેલું આંદોલન આખરે સમેટાયું
- Advertisement -
ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ સ્થળ પર જઈને રસ્તાઓની હાલત જોયા બાદ તાત્કાલિક ખાડા પૂરવા માટે આદેશ આપ્યા હતા. જેસીબી મશીનો તાત્કાલિક સ્થળ પર મોકલીને ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા તાત્કાલિક કામ શરૂ કરાવતા સ્થાનિકોને સંતોષ થયો અને આંદોલન સમેટી લેવામાં આવ્યું. જોકે, આ ’રસ્તા રોકો’ આંદોલન ત્રણ કલાકથી પણ વધુ સમય સુધી ચાલ્યું હતું, જેના કારણે શહેરમાં વ્યાપક ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા શરૂ કરાયેલું આ ખાડા પૂરવાનું કામ કેટલું ટકાઉ નિવડે છે અને મોરબીના નાગરિકોને ક્યારે બિસ્માર રસ્તાઓમાંથી મુક્તિ મળે છે.



