છેલ્લાં બે વર્ષથી કોરોનાની મહામારીએ દેશભરના લોકોને હચમચાવી દીધા છે. લાખો પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પહેલી લહેર બાદ બીજી લહેરએ લોકોને કપરી મુશ્કેલીમાં મૂકી દીધા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે શહેરની સિવિલ સહિત ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ માટે જગ્યા પણ ન હતી. ઓક્સિજન, વેન્ટીલેટર, રેમેડેસીવીર માટે લોકોને વલખાં મારવા પડતા, ત્યારે એક કહેવત છે કે ‘મોરના ઈંડા ચિતરવા ન પડે’ આ પંક્તિને સાર્થક કરી છે રાજકોટના ગૌરવ એવા સુરજ બીપીનભાઈ મહેતાએ કે જેને કોરોનાની કપરી મહામારીમાં ગુજરાતમાં 491 અને રાજકોટને 75 કોન્સન્ટ્રેટર મશીન ફાળવી લોકોના જીવ બચાવ્યા છે ત્યારે એ જ ખરા અર્થમાં કોરોના વોરિયર ગણાય તેવું કહેવું મિથ્યા નથી. એટલું જ નહીં પરંતુ સુરજ મહેતાએ 108 એપ વિનામૂલ્યે ડિઝાઈન કરી મહત્ત્વનો ફાળો સરકારને આપ્યો છે.
પિતા બીપીન મહેતાની પ્રેરણાથી સેવા કરવાનો બોધ મળ્યો: સુરજ મહેતા
જૈન શ્રેષ્ઠી બીપીનભાઈ મહેતાના સુપુત્ર સુરજ મહેતા મુંબઈની જાણીતી ચાટર્ડ એકાઉન્ટન્ટ સંસ્થા કે.પી.એમ.જી.ના મેનેજર અને એ.સી.ટી. ગ્રાન્ટ ગુજરાતના ઈન્ચાર્જ છે. પિતા બીપીનભાઈ મહેતાની પ્રેરણાથી નાની વયના સુરજ બીપીનભાઈ મહેતાએ પોતાના જ્ઞાનનો સાચી જગ્યાએ ઉપયોગ કરી લોકો માટે 108ની સેવા સરળ બનાવી છે. એ ઉપરાંત કોરોનાની પહેલી લહેરમાં એ.સી.ટી. અંતર્ગત રૂા. 9 કરોડની ગ્રાન્ટ એકત્રીત કરી સી.એમ. રીલીફ ફંડમાં કોવિડ પેશન્ટો માટે ફાળવી આપી હતી તેમજ 4300 પીપીઈ કીટ અમદાવાદ, રાજકોટ, સુરતમાં આપી સેવા કાર્ય કર્યું હતું અને આગામી દિવસોમાં સુરજ મહેતા, 250 બાયપેપ મશીન લોકોની સેવા માટે હોસ્પિટલોને ફાળવશે તેવું ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું. આ ઉપરાંત સુરજ મહેતાએ કોરોના કાળ દરમ્યાન હોમ આઈસોલેટ દર્દીઓને ફ્રીમાં સારવાર મળી રહે તે માટેની પ્રક્રિયા લોકોને ગોઠવી આપી હતી. તેમના ખર્ચે હોમ આઈસોલેટ દર્દીઓની સારવાર માટે ડોકટર્સની ટીમ સારવાર આપતી હતી.
- Advertisement -
કોવિડના દર્દીઓ માટે રાજકોટને ફાળવ્યા સિંગાપોરના કોન્સન્ટ્રેટર મશીન
કોરોનાની મહામારી રાજકોટને પણ બાથમાં ભીડી હતી ત્યારે લોકોની સેવા માટે તત્પર એવા સુરજ મહેતાએ એક્ટ ગ્રાન્ટ ઈનીશીએટીવ અંતર્ગત રાજકોટને 75 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન આપ્યા હતા. આ મશીન સીંગાપોરથી ઈમ્પોર્ટ કરવામાં આવ્યા છે. આ કિંમતી મશીન હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે. આ મશીન જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા દર્દીઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતાં રાજકોટવાસીઓ રાહત અનુભવી રહ્યા છે પરંતુ આ મશીન ઓક્સિજનના બાટલાનો વિકલ્પ બની શકે છે. આમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સુરજ મહેતાએ કુલ 116 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન ફાળવ્યા છે. કોવિડ મહામારીમાં સેવાકાર્ય માટે સુરજ મહેતાને દસ જેટલી નામાંક્તિ કંપનીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. રાજકોટના જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ મશીન આશીર્વાદરૂપ સાબિત થશે. આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ સુરજ મહેતા સેવારૂપી કિરણો જરૂરિયાતમંદો માટે પાથરશે. સુરજ મહેતાનું કહેવું છે કે તેમને લોકોને મદદરૂપ થવાની તથા તેમના જ્ઞાનનો ઉપયોગ સાચા અને ખરા સમયે ઉપયોગમાં લેવામાં પ્રેરણા તેમના પિતા બીપીનભાઈ મહેતામાંથી મળી છે. હંમેશા લોકોની સેવા માટે તત્પર રહેતા એવા રાજકોટના ગૌરવસમા અને રાજકોટમાં જેમનો ઉછેર થયો છે તેવા સુરજ મહેતાની આ કૌશલ્યતા ખરેખર વખાણવાને પાત્ર છે તેમજ આવનારા દિવસોમાં પણ સુરજ મહેતા અને સેવા કાર્યો કરી લોકોને ઉપયોગી સાબિત થશે.