સિનિયર સીટીઝનને સાત લાખને બદલે એકથી દોઢ લાખ સુધીનો વધારાનો લાભ આપવા, મહિલાઓ માટે મુક્તિ મર્યાદા લિમિટ વધારવી સહિતની રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
- Advertisement -
રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશન રાજકોટ વેપાર ઉદ્યોગને લગતા 19 મુદ્દાઓ આગામી બજેટમાં સમાવવા રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનના પૂર્વપ્રમુખ મનસુખભાઈ પટેલ, હાલના પ્રમુખ જયંતીભાઈ ટીલવા તથા માનદમંત્રી અશ્ર્વિનભાઈ પટેલની પ્રિ-બજેટ મેમોરેન્ડમ રૂપે ટુ ધ પોઈન્ટ રજૂઆત કરવામાં આવી છે. નાણાં મંત્રાલય હેઠળ મહેસુલ વિભાગે એક પરિપત્ર ઈસ્યુ કર્યો છે. જેમાં વેપાર ઉદ્યોગ સંગઠનોને ટેક્ષ માળખામાં બદલાવ વિ. સૂચનો આપવા કહેવામાં આવ્યું છે, તે બાબતના સૂચનો અને અભિપ્રાય તેમજ કરમાળખા ઉપરાંત ટેક્ષ રેઈટમાં ફેરફાર તથા વધુ લોકોને ટેક્ષના દાયરામાં આવરી લેવા કરજાળ વિસ્તારવા વિશે પણ સરકાર તરફથી સૂચનો માંગવામાં આવેલ છે. આવકવેરો ભરતાં કરદાતાઓને ચાર વર્ષથી પ્રતીક્ષા કરાવ્યા બાદ પાંચમા અંદાજપત્રમાં નાણાં મંત્રી સીતારામનજી મન મૂકીને વરસ્યા હતા. અમૃતકાળના અંદાજપત્રમાં કરદાતાઓને પંચામૃત આપેલું છે. આવકવેરાની પ્રવર્તમાન નવી જોગવાઈમાં શ્રેણીબદ્ધ સુધારા કરીને તેને વધુ આકર્ષક બનાવાઈ છે. રાજકોટ વેપાર ઉદ્યોગને લગતા 19 મુદ્દાઓ જેવા કે ટેક્ષ સ્લેબના રેશનલાઈઝેશન તેમજ આવકવેરા રીબેટ માટે રૂા. પાંચ લાખથી રૂા. સાત લાખની કરપાત્ર આવક મર્યાદાના સુધારાએ નવી યોજનામાં આવક મર્યાદાના સુધારાએ નવી યોજનામાં નવો પ્રાણ પૂર્યો છે
તે ખૂબ જ પ્રશંસાપાત્ર છે, પરંતુ સિનિયર સીટીઝનને પણ ઓર્ડીનરી કરદાતાના સ્લેબમાં લાવી દીધા છે. સિનિયર સીટીઝનને ઓર્ડિનરી કરદાતા કરતાં કંઈક વધારે લાભ મળવો જોઈએ તે આપવામાં આવેલ નથી. સિનિયર સીટીઝનને સાત લાખને બદલે એકથી દોઢ લાખ સુધીનો વધારાનો લાભ આપવો જરૂરી છે, મહિલાઓ માટે અલગથી કોઈ મુક્તિ મર્યાદા નથી જેથી મહિલાઓ માટે મુક્તિમર્યાદા લિમિટ ઓર્ડિનરી કરદાતાઓ કરતાં થોડી વધારે કરી આપવી જોઈએ. સુપર સિનિયર સીટીઝનને વર્ષોથી કોઈ વધારાનો લાભ આપવામાં આવતો નથી જેની મુક્તિમર્યાદા વર્ષોથી પાંચ લાખની છે તેમાં કોઈ સુધારો કરવામાં આવેલો નથી ત્યારે ઓર્ડિનરી કરદાતા માટે નવી સ્કીમ હેઠળ સાત લાખ સુધીની મુક્તિમર્યાદા કરી આપવામાં આવેલી છે તો સુપર સિનિયર સીટીઝન 80 વર્ષ ઉપરનાને પણ પાંચ લાખને બદલે આઠ લાખની મુક્તિમર્યાદા કરી આપવી જોઈએ. સુપર સિનિયર સીટીઝન વર્ષોથી આ અન્યાયનો સામનો કરી રહ્યા છે તો તેમાં યોગ્ય ન્યાય મળે તેવી દરેક સુપર સિનિયર સીટીઝનની માગણી છે. આ ઉપરાંત લોંગટર્મ કેપિટલ ગેઈન ઘણાં વર્ષોથી એક વર્ષ ઉપરાંતના જૂના શેર વેચાણ થાય તો કોઈ જાતને કેપિટલ ગેઈન ટેક્ષ લાગતો ન હતો પરંતુ તા. 1-2-2018થી તેમાં સુધારો કરી 31 જાન્યુઆરી 2018ના બેઝિક રેઈટને ખરીદી કિંમત ગણી તેના આધારે કેપિટલ ગેઈનની એક લાખ રૂપિયા બાદ આપી ગણત્રી કરીને 10% કેપિટલ ગેઈન નાખી દીધેલ છે તે 10%નો કેપિટલ ગેઈન નાબુદ કરવો જોઈએ અને જૂના નિયમ પ્રમાણે એક વર્ષ ઉપરાંત શેર ખરીદી ઉપર કેપિટલ ગેઈન ટોટલ ફ્રી કરી આપવો જોઈએ તેમ છતાં તે શક્ય ન હોય તો નવા નિયમ પ્રમાણે એક લાખ બાદ આપી તે પછીની રકમ ઉપર 10% કેપિટલ ગેઈન ગણવામાં આવે છે તેને બદલે બે લાખ સુધીની બાદ કર્યા પછી 10% લગાડવામાં આવે તો કરદાતાને કંઈક રાહત મળે તેવી શેર રોકાણકારોની માગણી સહિતના અન્ય મુદ્દાઓનો સમાવેશ કરવા અને આગામી બજેટમાં સહાનુભૂતિ દર્શાવી કેન્દ્ર સરકાર વેપાર ઉદ્યોગ પ્રત્યે સદ્ભાવના દાખવશે તેવી અપેક્ષા સાથે રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનના પૂર્વપ્રમુખ મનસુખભાઈ પટેલ તથા પ્રમુખ જયંતીભાઈ ટીલવા તથા માનદ્મંત્રી અશ્ર્વિનભાઈ પટેલની આમઆદમી વતી રજૂઆત કરાઈ છે.