-રિઝર્વ બેંક પર વ્યાજદર વધારાનું દબાણ સર્જાશે
ટમેટા સહિતની શાકભાજી તથા કઠોળ સહિતની ખાદ્યચીજોના ઉંચાભાવથી સામાન્ય વર્ગનું બજેટ વેરવિખેર થઈ ગયુ છે અને તેના પ્રભાવ હેઠળ જુલાઈ મહિનાનો મોંઘવારી દર ફરી 5 ટકાને પાર થઈ જવાની ભીતિ વ્યક્ત થવા લાગી છે. રિઝર્વ બેંક પર પણ ફરી વખત વ્યાજદર વધારાનું દબાણ ઉભુ થઈ શકે છે.
- Advertisement -
જુલાઈમાં રિટેઈલ મોંઘવારી દર 5 ટકાથી વધુ અને ઓગષ્ટનો ફુગાવો 6 ટકાથી ઉંચો જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જે સંજોગોમાં ધિરાણનીતિની આગામી સમીક્ષા બેઠકમાં વ્યાજદર વધારા મુદે રિઝર્વ બેંક પર દબાણ આવી શકે છે. મે મહિનામાં રીટેઈલ ફુગાવો 4.81 ટકા હતો તે એપ્રિલની તુલનામાં 0.56 ટકા વધ્યો હતો. આ પુર્વે રિઝર્વ બેંક પર વ્યાજદર ઘટાડવાનું દબાણ હતું પરંતુ હવે વધતી મોંઘવારીને ધ્યાને લેતા ચિત્ર વિપરીત થયુ છે અને વ્યાજદર વધારવાની ફરજ પડી શકે છે.
જાણકારોએ અગાઉ જ એવી આશંકા દર્શાવી હતી કે ઉતર તથા મધ્ય ભારતમાં ભારે વરસાદને કારણે ટમેટા, મરચા સહિતના શાકભાજીને નુકશાન થશે અને તેની કિંમત આકાશને આંબશે. આ સંજોગોમાં ચાલુ જુલાઈ મહિનાના રીટેઈલ મોંઘવારીના આંકડા ચોંકાવનારા બની શકે છે.
કેન્દ્રના સ્ટેટેસ્ટીક મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે મે મહિનામાં રીટેઈલ મોંઘવારી 4.25 ટકા હતી તે જુનમાં 4.81 ટકાના સ્તરે પહોંચી હતી. માર્કેટ રીસર્ચ ફર્મ નોમુરાના રિપોર્ટ અનુસાર ચોખાની નિકાસ પર નિયમનો છતાં જુન માસમાં ચોખાનો મોંઘવારી દર 9 ટકાથી વધીને 12 ટકા થયો હતો. જુલાઈમાં પણ ભાવ વધ્યા હોવાથી નવા આંકડામાં વૃદ્ધિ જોવા મળી શકે છે.
રેટીંગ એજન્સી ક્રિસીલના રિપોર્ટ પ્રમાણે જુન માસથી શાકભાજીના ભાવોમાં મોટો વધારો છે. અનાજ તથા દાળની કિંમત પણ વધી હોવાથી બે મહિનાની નરમાઈ બાદ ફુગાવો ઉંચો ચઢવા લાગ્યો છે. આઈસીઆરએના અર્થશાસ્ત્રી અદિતી નાયરના કહેવા પ્રમાણે જુલાઈમાં ગ્રાહક ભાવાંક 5.3 થી 5.5 ટકા રહી શકે છે.
મોંઘવારીને નિયંત્રીત કરવા રિઝર્વ બેંક પર દબાણ સર્જાય તેમ છે જ. અમેરિકી ફેડરલ રિઝર્વે 0.25 ટકાનો વધારો કર્યો છે. રિઝર્વ બેંક સંતુલીત દ્દષ્ટિકોણ અપનાવી શકે છે.