ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 198 મોડેલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે. આ મોડેલ ફાર્મ બનાવવા માટે ખેડૂતોને સરકાર દ્વારા રૂ. 13,500ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. વર્ષ 2023 થી 2025 દરમિયાન કુલ રૂ. 24.28 લાખની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે.
આ મોડેલ ફામ્ર્સ જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, બીજામૃત, અને મિશ્ર પાક પદ્ધતિ જેવા પ્રાકૃતિક કૃષિના આધારસ્તંભોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યા છે. આ મોડેલ ફાર્મની મુલાકાત લઈને અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત થઈ રહ્યા છે. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર દીપક રાઠોડના જણાવ્યા અનુસાર, ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પ્રત્યક્ષ લાભોની જાણકારી મળે અને તેમના પ્રશ્ર્નોનું નિરાકરણ થાય તે માટે આ ફાર્મ્સની મુલાકાત ગોઠવવામાં આવે છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ પણ આ કાર્યક્રમની સમીક્ષા કરીને માર્ગદર્શન આપે છે. આ સહાયનો ઉપયોગ ખેડૂતો ઘન જીવામૃત બનાવવા માટે જરૂરી સ્ટ્રક્ચર, બેરલ, અને અન્ય સાધનો ખરીદવા માટે કરે છે. આત્મા પ્રોજેક્ટની ટીમ સતત ખેડૂતોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડી રહી છે, જેથી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની આ મુહિમ વધુ વેગવંતી બની છે.
જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધ્યો, 198 મોડેલ ફાર્મ તૈયાર
