રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગાંધીનગરથી રૂ. 1330 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનો શિલાન્યાસ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મુ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન ગાંધીનગરથી રૂ. 1330 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનો શિલાન્યાસ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે ગુજરાતીમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર ગુજરાતમાં આવીને પ્રસન્નતાનો અનુભવ કરી રહી છું. આપ સૌની કુશળતાની પ્રાર્થના કરું છું.’
- Advertisement -
વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણનો મહત્તમ લાભ મળશે
રાષ્ટ્રપતિએ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, સાબરમતી આશ્રમમાં થોડો સમય વીતાવવાનો મોકો મળ્યો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન અને આદર્શો માનવતા માટે આજે પણ એટલા જ પ્રાસંગિક છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીનગરમાં નિર્માણાધીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ 85 ટકા આદિજાતિ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રૂ. 530 કરોડના ખર્ચે 540 બેડની નિર્માણ પામનાર જી.ઈ.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ તથા હોસ્પિટલ શરૂ થવાથી નાગરિકોને આરોગ્ય સુવિધાઓનો તથા વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણનો મહત્તમ લાભ મળશે.
સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાતે ખૂબ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
વધુમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાતે ખૂબ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ગર્ભવતી મહિલાઓની વિશેષ કાળજી માટે સ્વાસ્થ્ય કાર્ડ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. ગુજરાતમાં કોવિડ વેક્સિનના 12 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, ગુજરાતના જામનગરમાં વિશ્વનું પ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન આકાર લઈ રહ્યું છે, જે વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા અને દવાઓ માટે માર્ગદર્શન આપશે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, નીતિ આયોગના 2020-21ના ટકાઉ વૈશ્વિક લક્ષ્યાંક અંતર્ગત ‘ગોલ નં.3-આરોગ્ય અને સુખાકારી’ અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.
- Advertisement -
પ્રાકૃતિક ખેતીના વિકાસમાં ગુજરાતની સાથે સમગ્ર દેશ જોડાયો
ગુજરાતે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પ્રાકૃતિક ખેતીને પણ વિશેષ મહત્વ આપ્યું છે. ગુજરાતના સફળ પ્રાકૃતિક કૃષિ પ્રયોગોનો ભારતભરમાં અમલ કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીના વિકાસમાં ગુજરાતની સાથે સમગ્ર દેશ જોડાયો છે. દેશની પાંચ ટકા વસતિ ધરાવતા ગુજરાતના ખેડૂતો આજે દેશના કુલ રાષ્ટ્રીય કૃષિ ઉત્પાદનમાં 20 ટકા જેટલો ફાળો આપી રહ્યાં છે.
ગુજરાતના સફળ પ્રાકૃતિક કૃષિ પ્રયોગોનો આજે ભારતભરમાં અમલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુંના હસ્તે ગાંધીનગર જી.એમ.ઈ.આર.એસ.મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ કેમ્પસ ખાતે નવ નિર્માણ થનાર સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ,ક્રિટીકલ કેર સેન્ટરનું ભૂમિપૂજન કરાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે રૂ. 1330 કરોડના વિકાસકામોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત તથા લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. જેમાં જનરલ હોસ્પિટલ કેમ્પસ ગાંધીનગર ખાતે રૂ.373.00 કરોડના ખર્ચે સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ, ક્રીટીકલ કેર સેન્ટર અને રેનબસેરા જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, રૂ.530.00 કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જી. એમ. ઈ. આર. એસ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અપગ્રેડેશન, રૂ.49.00 કરોડના ખર્ચે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે શામણા શૈયલ લીફ્ટ ઈરીગેશન પ્લાન્ટ, રૂ. 18.00 કરોડના ખર્ચે લુણાવાડા ખાતે મોરલનાકા બાબરી લીફ્ટ ઈરીગેશન પ્લાન્ટ, રૂ. 9.00 કરોડના ખર્ચે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગરબાડા ખાતે ફળિયા કનેક્ટિવિટી ઓફ કતવારા પાટાડુંગરી, રીજીયોનલ વોટર સપ્લાય સ્કીમ સહીત અનેક સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.