તાલુકાની ૫૪,૯૭૫ હેકટર જમીનમાં થયું ખરીફ પાકોનું આગોતરું વાવેતર
Ø જિલ્લાના વિંછીયા તાલુકામાં સૌથી વધુ ૪૭.૩૦ ટકા વાવેતર
- Advertisement -
Ø ઉપલેટા તાલુકામાં સૌથી ઓછું ૦.૬૨ ટકા વાવેતર
Ø વાવેતર કરતાં ખેડૂતોને બિયારણને દવાનો પટ આપી વાવેતર કરવા અનુરોધ
Ø આ વર્ષે સોયાબીનનો વાવેતર વિસ્તાર વધવાની શક્યતા
- Advertisement -
Ø અત્યાર સુધીમાં મગફળીનું ૩૫,૩૬૩ હેકટરમાં અને કપાસ (પિયાત) નું ૧૮,૭૩૫ હેકટરમાં વાવેતર થયું
રાજકોટ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં ગત દિવસોમાં થયેલા વરસાદની સાથે જિલ્લાના જે વિસ્તારોમાં પિયતની સુવિધા છે તે વિસ્તારોના ખેડૂતોએ ખરીફ પાકોના આગોતરા વાવેતરના શ્રીગણેશ કર્યા છે. જેના કારણે અત્યાર સુધીમાં જિલ્લાની ખેડવાણલાયક જમીન પૈકી ૧૦.૧૯ ટકા જમીનમાં એટલે કે, ૫૪,૯૭૫ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી આર.આર. ટીલવાએ એક મુલાકાતમાં જણાવ્યું છે.
રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગમાંથી પ્રાપ્ય વિગતો મુજબ જિલ્લાના ૧૧ તાલુકાઓ પૈકી રાજકોટ અને વિંછીયા તાલુકાના વિસ્તારોમાં ગત દિવસોમાં વાવણીલાયક વરસાદ થયો હતો. જેના કારણે આ બંને તાલુકાના વિવિધ વિસ્તારોના ખેડૂતોની સાથે જિલ્લાના જે વિસ્તારોમાં પિયતની સુવિધા ઉપલબ્ધ છે તે વિસ્તારોના ખેડૂતોએ પણ ખરીફ સીઝનમાં મગફળી અને કપાસ (પિયત)ની સાથે અન્ય પાકોના આગોતરા વાવેતરનો પ્રારંભ કરી દિધો છે.
જિલ્લામાં ઉપલબ્ધ ખેડવાણ લાયક વિસ્તારની સામે ખરીફ સીઝનમાં અત્યાર સુધીમાં થયેલ આગોતરા વાવેતરની વિગતો જોઈએ તો, ધોરાજી તાલુકામાં મગફળીનું ૩૦૦ હેકટર, કપાસ (પિયત) ૨૦૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૩૦ હેકટરમાં મળી કુલ ૫૩૦ હેકટર (૧.૩૨ ટકા) વિસ્તારમાં, ગોંડલ તાલુકામાં મગફળીનું ૬૦૦ હેકટર, કપાસ (પિયત) ૪૫૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૬૫ હેકટરમાં મળી કુલ ૧૧૧૫ હેકટર (૧.૨૦ ટકા) વિસ્તારમાં, જાકંડોરણા તાલુકામાં મગફળીનું ૮૦ હેકટર, કપાસ (પિયત) ૬૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૫૦ હેકટરમાં મળી કુલ ૧૯૦ હેકટર (૦.૪૬ ટકા) વિસ્તારમાં, જસદણ તાલુકામાંમગફળીનું ૪૫૦ હેકટર, કપાસ (પિયત) ૨૭૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૦૨ હેકટરમાં મળી કુલ ૭૨૨ હેકટર (૧.૧૫ ટકા) વિસ્તારમાં, જેતપુર તાલુકામાં મગફળીનું ૧૫૫ હેકટર, કપાસ (પિયત) ૧૨૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૪૦ હેકટરમાં મળી કુલ ૩૧૫ હેકટર (૦.૬૦ ટકા) વિસ્તારમાં કોટડા સાંગાણી તાલુકામાં મગફળીનું ૪૫૦ હેકટર, કપાસ (પિયત) ૧૦૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૧૫ હેકટરમાં મળી કુલ ૫૬૫ હેકટર (૧.૭૭ ટકા) વિસ્તારમાં, લોધીકા તાલુકામાં મગફળીનું ૪૨૦ હેકટર, કપાસ (પિયત) ૯૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૬૦ હેકટરમાં મળી કુલ ૫૭૦ હેકટર (૨.૩૫ ટકા) વિસ્તારમાં, પડધરી તાલુકામાં મગફળીનું ૬,૫૨૩ હેકટર, કપાસ (પિયત) ૫,૯૦૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૭૦ હેકટરમાં મળી કુલ ૧૨,૪૯૩ હેકટર (૩૧.૫૨ ટકા) વિસ્તારમાં, રાજકોટ તાલુકામાં મગફળીનું ૧૧,૨૨૫ હેકટર, કપાસ (પિયત) ૧૧,૦૧૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૯૦ હેકટરમાં મળી કુલ ૨૨,૩૨૫ હેકટર (૩૪.૮૫ ટકા) વિસ્તારમાં, ઉપલેટા તાલુકામાં મગફળીનું ૧૬૦ હેકટર, કપાસ (પિયત) ૧૩૫ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૫૫ હેકટરમાં મળી કુલ ૩૫૦ હેકટર (૦.૬૨ ટકા) વિસ્તારમાં તેમજ વિંછીયા તાલુકામાં મગફળીનું ૧૫,૦૦૦ હેકટર, કપાસ (પિયત) ૪૦૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૪૦૦ હેકટરમાં મળી કુલ ૧૫,૮૦૦ હેકટર (૪૭.૩૦ ટકા) વિસ્તારમાં વાવેતર મળી સમગ્ર જિલ્લાના ખેડવાણ લાયક ૫,૩૯,૩૯૮ હેકટર વિસ્તાર પૈકી ૫૪,૯૭૫ હેકટર (૧૦.૧૯ ટકા) વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે. વાવેતર પૂર્ણ થયેલ વિસ્તારો પૈકી ૬૪ ટકા વિસ્તારમાં મગફળીનું અને ૩૪ ટકા વિસ્તાોમાં કપાસ (પિયત) નું વાવેતર થયું છે. જ્યારે ૨ ટકા વિસ્તારમાં શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું વાવેતર થયું છે.
ગત વર્ષની સરખામણીએ જોઈએ તો, ગત વર્ષે ખરીફ સીઝનમાં વરસાદ વહેલો થયો હતો. જેને કારણે ખરીફ – ૨૦૨૦ માં આ સમય દરમિયાન એટલે કે ૧૨ મી જૂન – ૨૦૨૦ સુધીમાં રાજકોટ જિલ્લાની ૪૨.૦૫ ટકા જમીન એટલેકે, ૨,૨૬,૨૨૧ હેકટર જમીનમાં આગોતરૂં વાવેતર થઈ ગયું હતુ. વાવેતર થયેલ વિસ્તારો પૈકી ૫૮.૪૧ ટકા વિસ્તારમાં (૧,૩૨,૧૪૩ હેકટરમાં) મગફળીનું જ્યારે ૩૬.૪૯ ટકા વિસ્તારમાં (૮૨,૫૬૧ હેકટરમાં) કપાસ (પિયત) નું વાવેતર થયું હતુ. જ્યારે ૫ ટકા વિસ્તારમાં શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું વાવેતર થયું હતુ.
જિલ્લામાં ખરીફ – ૨૦૨૧ ની સીઝન દરમિયાન વાવેતર કરતાં જગતના તાતને અનુરોધ કરતાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી આર.આર.ટીલવા જણાવે છે કે, ખેડૂતોએ તેમની જમીનમાં બીજનું વાવેતર કરતાં પહેલાં બિયારણને દવાનો પટ આપવો જોઈએ, જેના કારણે ફૂગ ન આવે અને રોગ – જીવાતનું નિયંત્રણ થઈ શકે. આ ઉપરાંત ખેડૂતોએ જમીનમાં પૂરતો ભેજ હોય તેવા સમયે જ વાવેતર કરવું હિતાવહ છે.
રાજકોટ જિલ્લામાં જગતના તાત દ્વારા શરૂ કરવામાં આવેલ બિયારણની ખરીદી તેમજ વાવેતરને ધ્યાને લઈએ તો, આ વર્ષે જિલ્લામાં સોયાબીનનું વાવેતર વધવાની શક્યતા જોવા મળી રહી છે.


