કોઇ ચોક્કસ સ્થળે પહેલી વાર ગયા હો ત્યારે તમને ક્યારેક એવું લાગ્યું છે ખરું કે એ જગ્યાએ તમે આ પહેલાં પણ જઇ આવ્યા છો? કોઇ વ્યક્તિને જીવનમાં પ્રથમ વાર મળી રહ્યા હો ત્યારે એવો અહેસાસ થયો છે ખરો કે દૂરના ભૂતકાળમાં એ વ્યક્તિને તમે મળી ચૂક્યા છો? હકીકતમાં તમે એ સ્થળ અથવા એ વ્યક્તિને પ્રથમ વાર જ જોઇ રહ્યા છો; તો પછી આવું શા માટે લાગતું હશે?
અંગ્રેજી શબ્દકોશમાં એક શબ્દ છે: દેજા વુ (મયષફ દી). ‘દેજા વુ’ એટલે પૂર્વ-ભવનું સ્મરણ થવું. આ જગતમાં સૃષ્ટિના ઉત્પત્તિકાળથી જે કંઇ હતું એ જ બધું આજ સુધી ચાલ્યું આવે છે. કરોજો વર્ષ પહેલાં આખી પૃથ્વી ઉપર કુલ જેટલો વરસાદ વરસતો હતો એટલો જ આજે પણ વરસે છે. તેમાં એક ટીપું પણ વધ્યું કે ઘટ્યું નથી. ફક્ત અલગ સ્થાનોમાં એમાં વધારો કે ઘટાડો નોંધાયો છે. ભારતમાં જેટલું પાણી ઓછું વરસે એટલું બાંગ્લાદેશમાં વધારે વરસે. આવું જ જીવાત્માઓની કુલ સંખ્યા વિશે હોય છે. મૃત્યુ પામ્યા પછી કોઇ ક્યાંય જતું નથી. અલગ નામ અને યોનિ રૂપે બધાં અહીં જ ફરતા રહે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ મૃત્યુશૈયા પર હતા. એમનો એક શિષ્ય રડવા માંડ્યો. પરમહંસે એને આશ્વાસન આપતા કહ્યું, ‘વૃથા શોક શા માટે કરે છે? હું તો વસ્ત્રો બદલીને હમણાં જ પાછો આવીશ.’
શ્રી રમણ મહર્ષિ મૃત્યુ પામવાની અંતિમ ક્ષણ પર હતા ત્યારે એક ભક્તે રડતાં રડતાં પૂછયું, ’આપ અમને છોડીને ક્યાં જઇ રહ્યા છો?’
- Advertisement -
રમણ મહર્ષિએ કહ્યું, ’બેટા, તું નાદાન ન બન. હું અહીં જ હતો અને અહીં જ રહેવાનો છું.’
આપણે બધાં અહીં જ હતા અને અહીં જ રહેવાના છીએ. આપણું અસ્તિત્વ સનાતન છે.
જ્યારે પૂર્વજન્મમાં જોયેલા મિત્રો, સ્વજનો કે સગાવહાલાઓ બીજા જન્મમાં નવાં સ્વરૂપે મળી જાય છે ત્યારે ‘દેજા વુ’ની અનુભૂતિ થાય છે. પૂર્વજન્મમાં તમે રહેતા હતા તે ઘર, ભણતા હતા તે શાળા, જ્યાં તમે શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા જતા હતા તે મંદિર, તમારી મનગમતી નદી, ઓફિસ, માર્કેટ જેવાં અનેક પરિચિત સ્થળો પર બીજા જન્મમાં અનાયાસ જઇ ચડો છો ત્યારે તમને ‘દેજા વુ’ અનુભવાય છે. ’મોર્નિંગ મંત્ર’ના આ મંચ પર જે મિત્રો મારી સાથે જોડાયા છે એ પણ ‘દેજા વુ’નો જ પ્રભાવ. જાંબુડા હનુમાનદાદાના પવિત્ર સ્થાનકમાં આવીને ઘણા મિત્રોએ આવી અલૌકિક અનુભૂતિ મારી સમક્ષ વ્યક્ત કરી, એને પણ હું પૂર્વ-ભવ, પૂર્વ-ભાવ અથવા પૂર્વાનુભૂતિનું જ પરિણામ ગણું છું. એ વિના સાવ અજાણ્યા બહેનો અને ભાઇઓ અનાયાસ આટલે દૂર આટલી મોટી સંખ્યામાં આવે જ નહીં.