ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ઉદ્યોગનગરમાં કરીયાણાની દુકાનમાં ત્રણ મહિલાઓએ વેપારીની નજર ચૂકવીને 65 હજારની રોકડ ચોરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. આશાપુરા ચોક પાસે કિશોર પ્રોવિઝન સ્ટોરના માલિક કિશોરભાઈ ગોરધનદાસ રાજા (વય 60) દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ અનુસાર, બપોરે એક વાગ્યાના આસપાસ ત્રણથી ચાર મહિલાઓ તેમની દુકાને આવી હતી. આમાંની એક મહિલા દુકાનના આગળના ભાગે ઉભી રહી હતી, જ્યારે બે મહિલાઓ પાછળના દરવાજાથી કાઉન્ટર સુધી પહોંચી હતી. મસાલાના પેકેટો અને દાળ-ચોખાના ભાવ પૂછવાના બહાને આ મહિલાઓએ દુકાનદાર અને ત્યાં હાજર બે સ્ટાફ સભ્યોને વ્યસ્ત રાખ્યા.
- Advertisement -
થોડીવાર બાદ મહિલાઓએ કશું ખરીદ્યા વગર દુકાન છોડી દીધી. ઘટનાના થોડા સમય બાદ બાલાજી વેફર એજન્સીના સેલ્સમેન કિશોરભાઈની દુકાને પૈસા લેવા આવ્યા હતા ત્યારે કિશોરભાઈએ ખુરશી પાસે રાખેલો પર્સ ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું. પર્સમાં 65 હજારની રોકડ હતી. દુકાનના સી.સી.ટી.વી. કેમેરાની તપાસ દરમિયાન, એક મહિલા દુકાનદારને વ્યસ્ત રાખતી વખતે બીજી મહિલાએ પર્સ ઉઠાવીને પોતાની સાડીમાં સંતાડ્યાનું જણાયું હતું. આ ઘટનાની માહિતીના આધારે ઉદ્યોગનગર પોલીસમથકમાં ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને મહિલાઓની ઓળખ માટે પ્રયાસો ચાલી રહ્યા છે. આ ચોરીની ઘટના શહેરમાં સુરક્ષાને લઈને ચિંતા ઊભી કરે છે. નાગરિકોને તેમની દુકાનો અને કિંમતી વસ્તુઓ પર નજર રાખવા, તેમજ આ પ્રકારના ગઠિયાગીર ટોળકીઓથી સાવચેત રહેવા પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે.