13 ચકરડી મશીન, 2 લોડર અને 3 ટ્રક સહિતના વાહનો સીઝ; બિલ્ડીંગ લાઈમસ્ટોનની ચોરી કરતા ખનિજ માફિયાઓમાં ફફડાટ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણખનિજ વિભાગ અને ભૂસ્તરશાસ્ત્રીની ટીમે 17 ડિસેમ્બરના રોજ મોજે પાતા ગામે આકસ્મિક દરોડો પાડી બિનઅધિકૃત ખનન પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. લાંબા સમયથી મળતી ફરિયાદોના આધારે કરવામાં આવેલી આ તપાસમાં લાખો રૂપિયાના બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનિજનું ગેરકાયદે ખનન થતું હોવાનું સામે આવ્યું છે.
તપાસ દરમિયાન જીપીએસ કોર્ડિનેટની મદદથી અલગ-અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વિજયભાઈ આગઠની માલિકીની 4 ચકરડી મશીન, 1 ટ્રેક્ટર અને 1 જનરેટર ઝડપાયા હતા. આ ઉપરાંત અર્જુનભાઈ પરમારની માલિકીના લોડર, ટ્રેક્ટર અને ટ્રક સહિતના વાહનો ખનન કરતા રંગેહાથ પકડાયા હતા. સમગ્ર કાર્યવાહીમાં તંત્ર દ્વારા કુલ 13 ચકરડી મશીન, 2 લોડર, 3 ટ્રેક્ટર, 3 ટ્રક અને 1 જનરેટર મળી અંદાજે ₹50 લાખથી વધુની મશીનરી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા ઝડપાયેલી મશીનરીને સુરક્ષિત કસ્ટડીમાં સોંપી દેવામાં આવી છે અને કેટલાક વાહનો પાસેથી ઓનલાઇન દંડ વસૂલવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરાઈ છે. કલેક્ટર પ્રશાસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કુદરતી સંસાધનોની લૂંટ ચલાવતા તત્વો સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવી કડક તપાસ ચાલુ રહેશે.



