સરકાર એકદમ નકામી વસ્તુ, ચાલતી ગાડીમાં પંક્ચર પાડી શકે : ગડકરી
સત્તા, સંપત્તિ અને સૌંદર્ય કાયમી નથી તેના મદમાં રાચવું જોઈએ નહીં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
- Advertisement -
કેન્દ્રીય માર્ગ, પરિવહન મંત્રી નિતિન ગડકરી તેમના આખાબોલા સ્વભાવ અંગે જાણિતા છે. નાગપુર કોર્પોરેશનની ઝાટકણી કાઢતા ગડકરીએ કહ્યું કે સરકાર એકદમ નકામી વસ્તુ છે, તે ચાલુ ગાડીમાં પંક્ચર પાડી શકે છે. વધુમાં તેમણે નાગપુરમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, રાજકારણ નશા સમાન છે અને માણસ નશામાં હોય ત્યારે તેની વિચાર કરવાની શક્તિ જતી રહે છે. વધુમાં સત્તા, સંપત્તિ અને સૌંદર્ય ક્યારેય કાયમી નથી હોતા, તે ક્ષણ ભંગુર હોય છે તેથી કોઈએ તેના અભિમાનમાં રાચવું જોઈએ નહીં.
નીતિન ગડકરી નાગપુરમાં સ્ટેડિયમ બનાવવા માગે છે, પરંતુ કોર્પોરેશન, સરકારી શિથિલતાના પગલે તેઓ ખૂબ જ નારાજ હતા અને તેમણે તેમની નિરાશા તથા ઉભરો ઠાલવ્યો હતો. નીતિ ગનડકરીએ નાગપુરમાં સ્પોર્ટ્સ એઝ અ કરિયર કાર્યક્રમમાં જણાવ્યું કે, મારી ખૂબ ઈચ્છા છે કે નાગપુરમાં 300 સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવું, પરંતુ ચાર વર્ષના મારા અનુભવ પછી મારા ધ્યાનમાં આવ્યું કે, સરકાર ખૂબ જ નકામી વસ્તુ છે. એનઆઈટી, કોર્પોરેશન વગેરેના ભરોસે કોઈ કામ થતું નથી. આ લોકો ચાલતી ગાડીમાં પંક્ચર પાડી શકે છે.
ગડકરીએ આ અંગે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું, દુબઈના એક વેપારી તેમને મળ્યા, જે ત્યાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ ચલાવે છે. તેમણે નાગપુરમાં સ્ટેડિયમ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. મેં નિર્ણય કર્યો કે ટેન્ડર કાઢીને 15 વર્ષ માટે અમે જગ્યા આપીશું. લાઈટ, ગેલેરી વગેરે બનાવીને આપીશું, પરંતુ લોનનું મેઈન્ટેનન્સ તેઓ કરશે અને એરિયાની દૃષ્ટિએ ત્યાં સ્પોર્ટ્સ રમી શકાશે. અહીં રમવા આવનારા ખેલાડીઓ પાસેથી ઓછામાં ઓછી રૂ. 500થી રૂ. 1,000 ફી લઈશું.
- Advertisement -
તેમણે ઉમેર્યું કે, ફી લેવી જરૂરી છે. મફતમાં કશું શીખવું જોઈએ નહીં. હું તો રાજકારણમાં છું. રાજકારણ તો ફોગટીયાઓનું બજાર છે. અહીં લોકોને દરેક વસ્તુ ફોગટમાં એટલે કે મફતમાં જોઈએ છે, પરંતુ હું મફતમાં કશું આપતો નથી. સ્પોર્ટ્સ અને રાજકારણ નશા સમાન છે. માણસ નશામાં હોય ત્યારે તેની વિચાર કરવાની શક્તિ જતી રહે છે. તેથી કોઈએ તેના નશામાં રહેવું જોઈએ નહીં. સત્તા, સંપત્તિ અને સૌંદર્ય હંમેશા માટે નથી હોતા, પરંતુ તે ક્ષણભંગુર હોય છે. તેથી તેનું અભિમાન રાખવું જોઈએ નહીં.
કેન્દ્રીય મંત્રી ગડકરીએ ઉમેર્યું કે, સારા દિવસો હોય છે ત્યારે તમારી પ્રશંસા કરનારા અનેક લોકો હોય છે, પરંતુ ખરાબ સમય આવે છે ત્યારે કોઈ પૂછવાવાળું હોતું નથી. તેમણે કહ્યું કે, હું નાણાકીય સલાહકાર નથી કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ નથી, પરંતુ હું નાણાકીય નિષ્ણાત જરૂર છું. હું પાંચ લાખ કરોડ રૂપિયાના કામ રૂપિયા આપ્યા વિના જ પૂરા કરાવી શકું છું. મને ખબર છે કે કયું કામ કેવી રીતે પૂરું કરી શકાય છે. ગડકરીએ યુવાનોને કારકિર્દીમાં પ્રમાણિક અને મહેનત કરવાની સલાહ આપી હતી.