ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર દેહવ્યાપારના ધંધા પર પોલીસે ગાળીયો કસ્યો છે. એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. પરમારને જાગૃત નાગરિક પાસેથી કાઠિયાવાડ વિસ્તારમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે, ડીવાયએસપી હિતેશ ધાધલીયાના નેતૃત્વ હેઠળ પી.આઈ. પરમાર અને પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો. પોલીસની આ અચાનક કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે ધમધમતો આ ગોરખધંધો ઝડપાઈ ગયો હતો. ઘટનાસ્થળેથી કુટણખાનાના સંચાલક મહિલા અનિતાબેન રાજેશભાઈ રાજાણી સહિત કુલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કડક કાર્યવાહીથી શહેરમાં આવા ગુનાહિત તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જૂનાગઢની જનતા દ્વારા પી.આઈ. પરમાર, ડીવાયએસપી ધાધલીયા અને સમગ્ર એ-ડિવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. લોકોમાંથી માંગ ઉઠી છે કે, આવા શરમજનક અને સમાજને કલંકિત કરતા દેહવ્યાપારના ધંધા પર પોલીસ સતત લાલ આંખ રાખે અને તેમને સદંતર બંધ કરાવે. સરકાર પણ ’કુટણખાના મુક્ત ગુજરાત’ અને ’કુટણખાના મુક્ત ભારત’ જેવા અભિયાન ચલાવી, મહિલાઓ અને દીકરીઓને આવા કાળા ધંધાની માયાજાળમાંથી મુક્ત કરાવે તેવી જનતાની બુલંદ માંગ છે.
જૂનાગઢમાં દેહવ્યાપારના અડ્ડા પર પોલીસની રેઇડ: સંચાલિકા સહિત પાંચની ધરપકડ કરાઇ
