દારૂ બનાવવાના સાધનો સહિત 60 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ઉના પંથકમાં દેશી દારૂના વેચાણ પર અંકુશ લગાવવા પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. આ અભિયાન અંતર્ગત ઉના તાલુકાના સનખડા વિસ્તારમાં મોટી સફળતા મળી છે. ઉના પી.આઈ. એન.એમ. રાણાની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફના શાંતિલાલ સોલંકી અને ભાવસિંહભાઈ ગોહિલ પેટ્રોલિંગ દરમિયાન હતા. તેમને બાતમી મળી કે સનખડા ગામની છેલ સીમ વિસ્તારમાં બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવાનો જંગી જથ્થો અલગ-અલગ જગ્યાએ સંતાડવામાં આવ્યો છે. પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ કરતાં દેશી દારૂ બનાવવાનો 2145 લિટર આથો મળી આવ્યો. આ ઉપરાંત દેશી દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂ. 60,240નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે મહાવીરસિંહ ધીરુભાઈ ઝાલાને પકડી લીધો અને ઘટનાસ્થળે જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સ્થળ પરથી આથાનો નાશ કરવામાં આવ્યો. ગેસના બાટલા, પતરાના ડબ્બા અને ગેસનો ચૂલો સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.