નશાકારક દવાઓના વેંચાણ સામે કડક તજવીજ હાથ ધરાઈ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર શહેરમાં નશાકારક દવાઓના પ્રિસ્ક્રીપ્શન વિના વેચાણની શક્યતા સામે કડક દસ્તક આપતા પોરબંદર પોલીસે શુક્રવારે શહેરના 32 મેડિકલ સ્ટોરમાં ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યું હતું. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચનાથી આ કાર્યવાહી અમલમાં મૂકાયી હતી. અજઙ સાહિત્યા વી. તથા કમલાબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. કાનમિયાનું માર્ગદર્શન મેળવીને કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ્પેક્ટર અને સ્ટાફની ટીમોએ અલગ-અલગ 32 મેડિકલ સ્ટોરમાં ત્વરિત ચેકીંગ હાથ ધર્યું હતું. આ ચેકીંગ દરમિયાન મેડિકલ સ્ટોરના લાયસન્સ, વેચાણ રજીસ્ટર તેમજ પ્રિસ્ક્રીપ્શન આધારિત દવાઓના રેકોર્ડની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.
- Advertisement -
પોલીસે ખાસ કરીને નશાકારક દવાઓ જેમકે કોડીન યુક્ત સીરપ, ઝોલામ્બિન, પેન કિલર ઇન્જેક્શન વગેરેના પ્રિસ્ક્રીપ્શન વગરના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પ્રાથમિક ચેકીંગમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ પકડાઈ નહોતી. છતાં, પોલીસના ઓચિંતા ચેકીંગથી મેડિકલ સ્ટોરના માલિકોમાં ચકચાર મચી જવા પામી હતી અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની અનિયમિતતા ટાળવા માટે તેઓ વધુ સતર્ક બનશે તેવી શક્યતા જોવા મળી છે. કમલાબાગ પોલીસ સ્ટાફની આ કામગીરી ખૂબજ સરાહનીય રહી હતી. આવી ઝીણવટભરી તપાસ પોલીસની કાયદો અને સ્વાસ્થ્ય પ્રતિ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રકારના સરપ્રાઈઝ ચેકીંગથી નશીલી દવાઓના કાયદાવિરૂદ્ધ ઉપયોગ અને વેચાણ પર અંકુશ લાવવા માટે મદદરૂપ બનશે.