મેટોડા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની કરી ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના મેટોડા GIDC પોલીસ સ્ટેશનમાં 15 ફેબ્રુઆરીના રોજ હવામાં ફાયરિંગ કરવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ આધારે મેટોડા GIDC પોલીસે ફાયરિંગ કરનાર રાજકોટના મોરબી રોડ પર રહેતા સાગર ડવ ઉં.23ની ધરપકડ કરી ગુનામાં વપરાયેલ હથિયાર પણ કબ્જે લીધું હતું પ્રાથમિક તપાસમાં આરોપી સાગર વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ શહેરમાં અલગ અલગ 3 પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ તેમજ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ગુના નોંધાઈ ચૂક્યા છે.
- Advertisement -
ઉપરોક્ત બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વાજડી વડ ગામે રહેતા ભાવેશભાઈ લખમણભાઈ રાઠોડ ઉં.39એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ટ્રાન્સપોર્ટનો ધંધો કરૂ છું. મકાનની બાજુમાં મારા મોટા બાપુના દીકરા મહેશભાઈ રાઠોડનું મકાન હોય જેઓ તેમનું જૂનું મકાન તોડી ત્યાં મકાન બનાવતા હોવાથી અમારા મકાનની દિવાલની કોલમમાં નુકસાન થયેલ હોય જેથી મેં 15 ફેબ્રુઆરીએ બપોરે મહેશભાઈને અમારી દિવાલમાં થયેલ નુકસાની બાબતે વાત કરી હતી.
જેથી તે ઉશ્કેરાઇ ગયા હતા અને બોલાચાલી કરી હતી બાદમાં મારે રાજકોટમાં કામ હોય હું જમીને રાજકોટ ગયો હતો. બપોરના 3 વાગ્યા આસપાસ હું રાજકોટથી ઘરે પરત આવ્યો અને મારા ઘર સામે મારી ગાડી પાર્ક કરી ગાડીમાંથી નીચે ઉતર્યો હતો. ત્યારે મહેશભાઈના કડિયા મારા ઘરની દિવાલ પાસે ખોદકામ કરતા હોવાથી મેં તેઓને મારા ઘરની દિવાલે ખોદકામ કરવા માટે રોકતા ત્યાં ઉભેલ મહેશભાઈના દીકરાનો મિત્ર સાગર ડવ મારી પાસે આવી બોલાચાલી કરી મને ગંદી ગાળો આપી પોતાના નેફામાંથી હથિયાર કાઢી હવામાં ફાયરિંગ કર્યું હતું. આથી તુરંત જ મહેશભાઈ અને મારો ભાઈ અશ્વીન ઘરની બહાર આવી જતા સાગર તેની સ્કોર્પિયો કાર નં. જીજે.10.ડીએ.0045માં ત્યાંથી નિકળી ગયો હતો.