CP રાજુ ભાર્ગવ કલા, સ્પોર્ટ્સ, પ્રવાસન અને વાંચનનાં પ્રેમી
રાજુ ભાર્ગવ એક કાર્યદક્ષ અધિકારી તો છે જ પરંતુ એમનાં વ્યક્તિત્વના બહુ ઓછા જાણીતા પાસાંઓ પર અહીં વાત કરે છે ‘ખાસ-ખબર’
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનો આજે તા. 16-8ના રોજ જન્મદિવસ છે. ‘ખાસ-ખબરે’ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના જીવન-કવન ઉપર એક ખાસ મુલાકાત લીધી હતી. જેની તેમના જ શબ્દોમાં સફર કરીએ:
મારો જન્મ અજમેર જિલ્લામાં 16 ઓગષ્ટ 1966ના રોજ થયો છે. પરિવારમાં માતા-પિતા અને અમે ચાર ભાઈઓ, જેમાં હું સૌથી નાનો છું. અમારા બધાનો જન્મ અજમેરમાં જ થયો છે. મારું પ્રાથમિક શિક્ષણ પણ અજમેરમાં થયું છે. ધોરણ 12 પછી અજમેરની ખૂબ જાણીતી, 150 વર્ષ જૂની સરકારી કોલેજમાંથી મેં મારું ગ્રેજ્યુશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. હું એમબીએનો અભ્યાસક્રમ ભણવા બે વર્ષ જયપુર ગયો હતો. એમબીએ કર્યા પછી ત્રણ વર્ષ સુધી મેં અલગ-અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં, ખાસ કરીને ઋષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે બે વર્ષ કાર્ય કર્યું અને વર્ષ 1995માં આઈપીએસમાં જોડાયો. એજ્યુકેશન ફિલ્ડ એ મારી એક ચોઈસ હતી, ભણાવવામાં જે ખુશી મળે છે, તે બધાથી અલગ છે. અને આટલા વર્ષોની મહેનત કરીને જે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, નોલેજ મેળવ્યું છે, તે લોકો સાથે વહેંચશો તો તેમાં વધારે ખુશી મળશે. બીજું એક એ હતું કે, શરૂઆતથી જ મારા પિતાજી મારા માટે હંમેશા સૌથી મોટી પ્રેરણા રહ્યા છે. તેમની હૃદયથી ઈચ્છા હતી કે અમારા સંતાનોમાંથી કોઈ એક સંતાન સિવિલ સર્વિસમાં જાય. તો ભણાવવા સાથે તેની તૈયારી પણ સાથેસાથે ચાલી રહી હતી. મારા દાદાજી વર્ષ 1940ની આસપાસ સિવિલ સર્વિસમાં પરીક્ષા આપવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા. તે સમયે આઈસીએસની પરીક્ષા ઇંગ્લેન્ડ-લંડનમાં જ થતી હતી. ત્યાંથી તેઓ લૉ કરીને ભારત પરત ફર્યા અને સિંધિયા ઘરાના સાથે કામ કર્યુ. મારા પિતાજી પણ તે જ રીતે એડવોકેટ થયા અને તેમની હંમેશા જ ઈચ્છા હતી કે તમારા દાદાજી એ પણ પ્રયત્ન કર્યો, મેં પણ પ્રયત્ન કર્યો, અને હવે અમે ઈચ્છીએ છીએ કે તમે પણ પ્રયત્ન કરો અને સિવિલ સર્વિસની એક્ઝામ પાસ કરીને આઈપીએસ બનો. તેમની ઈચ્છા અને આશીર્વાદે એ જ મને અહીં સુધી પહોંચાડ્યો છે.
CP રાજુ ભાર્ગવનાં પ્રેરણાસ્ત્રોત અને આદર્શ…
જીવનમાં કોઈને કોઈ આઈડિયલ તો તમારૂં હોય જ છે, કોઈને કોઈ વ્યક્તિ તો એવી હોય છે, જેનાથી તમે પ્રેરણા પણ મેળવો છો, અને પ્રભાવિત પણ થાવ છો. સ્કૂલમાં હોય ત્યારે તમારી ફેમિલીમાં તમારા માતા-પિતા હોય છે. તેઓ હંમેશા માટે તમારી પ્રેરણા હોય છે. જીવનમાં એવા પણ લોકો મળે છે કે તેને જોઈને લાગે કે તેમનામાંથી શીખવું જોઈએ. તેમનું અનુકરણ કરવું જોઈએ. તો અમે પણ અમારા કેટલાક સિનિયર ઓફિસર છે. આઈપીએસમાં આવ્યા એ વખતે જુલિયો રિબેરોનું નામ હતું, કિરણ બેદીનું નામ હતું. એવા કે.પી.એસ. ગીલ સર હતા. જેઓ પોલીસ સર્વિસમાં લિજેન્ડ માનવામાં આવે છે. તેમની પાસેથી, તેમના જીવનમાંથી પ્રેરણા મેળવવાના પ્રયત્નો કર્યો અને એક આધ્યાત્મિક ગુરૂ છે. જ્યારે ક્યારેક મુશ્કેલી હતી ત્યારે તેમની પાસે જતો હતો. બીજું કશું કરતો નહીં. બસ તેમની સાથે બેસીને વાતો કરતો હતો. તેઓ મારી વાતો સાંભળીને મને જવાબ આપવાની કોશિશ કરતા હતા. મનને એક શાંતિ મળતી હતી. આવા ઘણા ઉદાહરણો છે.
- Advertisement -
કાશ્મીર અને પૂર્વોત્તર ફેવરિટ ડેસ્ટિનેશન્સ
એક તો મારા કામ માટે મને ઘણી જગ્યાએ ફરવાનો મોકો મળ્યો છે. આ સાથે જ્યારે હું ડેપ્યુટેશનમાં સીઆરપીએફમાં હતો. ત્યાંથી ભારતની અલગ-અલગ જગ્યાએ જવાની તક મળી છે. ઘણા ઈન્ટીરિયર વિસ્તારમાં જવાની તક મળી છે. મારું પોસ્ટિંગ આસામમાં હતું અને અરૂણાચલ આસામની અંદર જે બહુ ઈન્ટીરિયર વિસ્તારો હતા. જ્યાં અમારી કંપની ડિપ્લોયડ હતી ત્યાં જવાની તક મળી છે. ટ્રાવેલિંગ મારી જોબનો એક ભાગ હતો અને જ્યારે પણ રજા મળી તો ભારતના કેટલાય વિસ્તારોમાં જવાની તક મળી. કાશ્મીર ઘણું સુંદર છે. કાશ્મીર મને ઘણીવાર જવાની તક સાંપડી, ત્યાં જે સુંદરતા છે, કાશ્મીરની તે અનોખી છે, સાથમાં જ ઉત્તર-પૂર્વનો ભારતનો જે વિસ્તાર છે ત્યાં પણ ઘણી સુંદર જગ્યા છે. ત્યાં જઈને થોડા દિવસ પસાર જરૂર કરવા જોઈએ. ત્યાંનું અલગ કલ્ચર છે. ખાનપાન છે. આવી જ રીતે અરૂણાચલ પ્રદેશ એક અલગ જ અનુભવ કરાવે છે પણ તેમાં એક પ્રોબ્લેમ છે, કે ત્યાં જે પણ જાય છે, તેને પરમિટ લેવી પડે છે. ત્યાં પણ ઈનરલાઈન પરમિટ છે. આસામ ક્રોસ કરો ત્યારે એક પરમિટ લેવી પડે છે. થોડું ટુરિઝમનું રિસ્ટ્રિક્શન છે, થોડો વિસ્તાર ફેલાયેલો છે, જ્યારે પણ ટુરિસ્ટ જાય છે, ત્યારે બે-ત્રણ મેઈન-મેઈન જગ્યાએ જઈને પાછા ફરી જાય છે. જેમ કે, તવાંગ એક જગ્યા છે, જે ચાઈનાની બોર્ડર પર છે. ત્યાં સુધી જરૂર લોકો જાય છે. ઘણી સારી સુંદરતા છે, ત્યાંનું એક કલ્ચર છે. દરેક જિલ્લામાં તેનું કલ્ચર બદલે છે. દરેક જિલ્લામાં અલગઅલગ આદિવાસી પ્રજાતિ છે. આદિવાસી પ્રજાતિને પોતાનું કલ્ચર છે. ખાનપાન છે, રહેણીકરણી છે, પહેરવેશ છે, ત્યાં દરેક જિલ્લામાં તમને એક નવી વસ્તુ જોવા મળશે.
ટેનિસ અને ગોલ્ફ પ્રિય રમત, કિશોરકુમાર પ્રિય કલાકાર
મને રમતગમતનો બહુ શોખ છે અને હું દરરોજ કોશિષ કરૂં છું કે દોઢથી બે કલાક સુધી કોઈ રમત રમું. આજકાલ મારી પ્રિય રમત ટેનિસ છે. ગોલ્ફ પણ રમું છું. આજકાલ ટેનિસ વધુ રમું છું. તે મારૂ સ્ટ્રેટ બસ્ટર છે. જો કામનું ભારણ વધારે હોય અને સ્ટ્રેસ ઓછો કરવો હોય તો કોઈપણ રમત રમવાની શરૂ કરી દઉં છું. એકથી બે કલાક એ ગેમને સંપૂર્ણ રીતે તલ્લીન બનીને રમું છું. જેથી મારૂ મન ડાઈવર્ટ થઈ જાય, તે સિવાય મને ક્યારેક સંગીત સાંભળવાનો શોખ છે. કિશોરકુમાર મારા પ્રિય કલાકાર છે. અને તેમના જૂના ગાયેલા ગીતો કોઈ નવી બીજી જ દુનિયામાં લઈ જાય છે. હું વધારે તો વાંચન નથી કરતો, પણ હળવી બૂક હોય તો વાંચુ છું. અને છેલ્લે કઈ ના હોય તો ટીવી પર કોઈ સ્પોર્ટસની ચેનલ, મૂવી કે કોઈ સારી જૂની ફિલ્મ હોય તો જોઉં છું.
જો મેં મુંબઈમાં એર ઈન્ડિયાની નોકરી જોઈન કરી લીધી હોત, તો આજે હું અહીં ન હોત: રાજુ ભાર્ગવ
મારી લાઈફના ટર્નિગ પોઈન્ટની વાત કરૂં તો, 12 ધોરણ ભણ્યા પછી, સ્કૂલ પાસ કરીને કોશિષ કરી કે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી જાય, પરંતુ કોઈ કારણથી ના મળી શક્યું. મહેનત ઓછી કરી કે જે પણ કારણ રહ્યા હોય, હું એન્જિનિયરિંગ ના કરી શક્યો. ત્યારપછી મારી પાસે વધારે કોઈ વિકલ્પ નહતા. પછી પ્લાન કર્યુ કે સિવિલ સર્વિસને ટાર્ગટ કરીએ. મારૂ જે સાયન્સ બેકગ્રાઉન્ડ હતું, તેમાંથી આર્ટસના બેકગ્રાઉન્ડમાં આવ્યો અને એક બેકઅપના રૂપે એમબીએ કર્યુ, એમબીએ પછી જ્યારે પ્રોફેસર બનીને ભણાવી રહ્યો હતો ત્યારે એવું લાગ્યું કે હવે આને જ કેરિઅર બનાવવી પડશે. પરંતુ એ દરમિયાન જ ફરીથી એ જ વિચાર આવ્યો કે પાછો પ્રયત્ન કરવામાં આવે. સિવિલ સર્વિસની પરિક્ષા આપવામાં આવે અને એ મારો પ્રયત્ન સફળ રહ્યો. તો હું તમારી સાથે એક વાત જરૂર શેર કરવા માંગીશ કે અજમેરની પ્રખ્યાત કોલેજ, જ્યાં હું ભણાવી રહ્યો હતો અને એર ઈન્ડિયા માટે એપ્લાય કર્યુ. એ વખતે સંપૂર્ણ ભારતમાંથી ચાર જ સીટ હતી. તેની અંદર ઓપનમાં એક જ સીટ હતી. પરંતુ મેં એક્ઝામ આપી, ઈન્ટરવ્યુ આપ્યો, અને મારૂ તેમાં સિલેકશન થઈ ગયું. જ્યારે સિલેકશન થયું અને હું જોઈન કરવા માટે મુંબઈ ગયો એ દરમિયાન અજમેર યુનિ.માંથી મને ઈન્ટરવ્યુ માટે કોલ આવ્યો. હું ચાર દિવસની રજા લઈને ઈન્ટરવ્યુ માટે અજમેર આવી ગયો. અને મારૂ સિલેક્શન થઈ ગયું, મુંબઈવાળી નોકરી મેં છોડી દીધી, તો કદાચ જો મેં બોમ્બે એટલે કે એર ઈન્ડિયાની નોકરી જોઈન કરી લીધી હોત, તો આજે હું અહીં ન હોત.
‘ખાસ-ખબર’ દ્વારા CP રાજુ ભાર્ગવને જન્મદિવસની શુભકામના
રાજકોટનાં કાર્યદક્ષ અને બાહોશ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના આજે જન્મદિવસ છે. આજે ‘ખાસ-ખબર’ સાંધ્ય દૈનિકનાં રિપોર્ટર-ફોટોગ્રાફર જયેશ રાવરાણી દ્વારા તેમને ‘ખાસ-ખબર’ દૈનિક વતી જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી હતી.