ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીના તહેવારની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે દિવાળીના દિવસે નવા કપડાં પહેરવાની પરંપરા હોય છે. પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો પાસે નવા કપડાંનો અભાવ રહેતો હોય છે, ત્યારે રાજકોટ શહેર પોલીસે આ વાતને ધ્યાનમાં રાખીને દિવાળીની અનોખી ઉજવણી કરી હતી. જેમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની આગેવાનીમાં ગરીબ-જરૂરિયાતમંદ બાળકોને કપડાં અને રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મીડિયાનાં માધ્યમથી શહેરીજનોને દિવાળી અને નૂતનવર્ષની શુભેચ્છા આપી જણાવ્યું હતું કે, પોલીસ હેડક્વાર્ટરમાં આજે નાના બાળકોથી લઈ મોટાઓને કપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દિવાળીના દિવસે અહીં ગરીબ બાળકોને કપડા-રમકડાં તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય શહેર પોલીસની ટીમો દ્વારા ખાસ ઝુંપડપટ્ટી વિસ્તારમાં જઈને પણ જરૂરિયાતમંદોને કપડાં-રમકડાં તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરેકના જીવનમાં ખુશી આવે તેવા હેતુથી રાજકોટ પોલીસ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેથી ગરીબ લોકો પણ દિવાળી સારી રીતે ઉજવી શકે. ખાસ નાના બાળકોમાં તહેવારનો આનંદ વધુ જોવા મળતો હોય છે. આ કારણે પોલીસનાં સ્ટાફ દ્વારા મોટી સંખ્યામાં કાપડાંઓ એકઠાં કરી ગરીબ બાળકોમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે બાળકોનાં મોઢા ઉપર ખુશી જોઈને ખરેખર અમારી દિવાળી પણ સુધરી હોય તેવો અનુભવ થયો હતો.