માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ અને તેમના મંત્રીમંડળના મુખ્ય સભ્યો દ્વારા નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનનો પ્રવાસ પૂર્ણ કરીને સીધા માલદીવ્સ પહોંચી ગયા છે. તેઓ શુક્રવારે સવારે માલદીવ્સની રાજધાની માલે પહોંચ્યા, જ્યાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુઇજ્જૂ તેમજ તેમનું મંત્રીમંડળ પણ એરપોર્ટ પર હાજર રહ્યું.
રાષ્ટ્રપતિ મુઇજ્જૂએ પીએમ મોદીનું ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું. વિમાનમાંથી ઉતરતાની સાથે જ પીએમ મોદીએ જે રીતે આગળ વધીને મુઇજ્જૂને ગળે લગાવ્યા, તે દર્શાવે છે કે બંને દેશો માલદીવ્સ સાથેના તાજેતરના કડવા સંબંધોની યાદોને પાછળ છોડીને સહયોગનો નવો અધ્યાય લખવા માટે તૈયાર છે. બાળકો દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. દરમિયાન, રાષ્ટ્રપતિ મુઇજ્જૂનું આખું મંત્રીમંડળ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરવા માટે હાજર હતું, જેમાં માલદીવના વિદેશ મંત્રી, રક્ષા મંત્રી, નાણાં મંત્રી અને હોમલેન્ડ સિક્યોરિટી મંત્રી પણ સામેલ હતા.
જણાવી દઈએ કે પીએમ મોદી માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્જૂના આમંત્રણ પર માલદીવ પહોંચ્યા છે. પીએમ મોદીને માલદીવના સ્વતંત્રતા દિવસની 60મી વર્ષગાંઠ પર મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વર્ષે ભારત અને માલદીવ્સ વચ્ચે રાજદ્વારી સંબંધોના 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
મોહમ્મદ મુઇજ્જૂના રાષ્ટ્રપતિ બન્યા પછી કોઈ રાષ્ટ્રપ્રમુખની માલદીવ્સની આ પહેલી યાત્રા છે. મોદી બ્રિટનની બે દિવસની મુલાકાત બાદ માલદીવ્સ પહોંચ્યા છે. પીએમ મોદીની બ્રિટનની મુલાકાત દરમિયાન, બંને દેશોએ કાર, કાપડ, વ્હિસ્કી અને અન્ય ઘણા ઉત્પાદનો પરના ટેરિફને દૂર કરીને દ્વિમાર્ગી વેપારને વેગ આપવા માટે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
વડાપ્રધાન મોદીની માલદીવ્સની મુલાકાતને મુઇજ્જૂના નેતૃત્વમાં બંને દેશો બચ્ચે આવેલી ખટાશ પછી માલે અને નવી દિલ્હી વચ્ચેના સંબંધોને ફરીથી મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. આ વડાપ્રધાનની માલદીવની ત્રીજી મુલાકાત છે. અગાઉ, તેઓ પહેલી વાર 2018માં અને પછી 2019માં માલદીવ્સની મુલાકાત લઈ ચૂક્યા છે. વડાપ્રધાન મોદી 26 જુલાઈએ માલદીવના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ રાષ્ટ્રપતિ મુઇજ્જૂ સાથે વ્યાપક વાતચીત પણ કરશે અને માલદીવમાં ભારત-સહાયિત અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
માલદીવ જતા પહેલા પોતાના નિવેદનમાં મોદીએ કહ્યું, “આ વર્ષ આપણા બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 60મી વર્ષગાંઠ પણ છે.” તેમણે કહ્યું, “હું વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીના અમારા સંયુક્ત દ્રષ્ટિકોણને આગળ વધારવા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે આપણા સહયોગને મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ મુઇજ્જૂ અને અન્ય રાજકીય નેતૃત્વ સાથેની મારી મુલાકાતોની રાહ જોઉં જોઈ રહ્યો છું.”