ખેતી પાછળ કરાતા ખાતરના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાશે
ખેડૂતો સરકારી સહાયના ધોરણે નેનો ફર્ટિલાઈઝર ખાતરની ખરીદી કરી શકશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ગુજરાતની સાથે પોરબંદર જિલ્લાના ખેડૂતો પણ ખેતી પાછળ કરાતા ખાતરના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાશે. જેમાં પોરબંદર જિલ્લાના 1000 ખેડૂતો સરકારી સહાયના ધોરણે નેનો ફર્ટિલાઈઝર ખાતરની ખરીદી કરી શકે તે માટે 29.50 લાખની સહાય ચૂકવવાનું આયોજન કરવામાં આવ્યું છે. નેનો યુરિયા (પ્રવાહી) એ ભારત સરકારના ફર્ટિલાઈઝર ક્ધટ્રોલ ઓર્ડર (એફ.સી.ઓ.) દ્વારા સૂચિત વિશ્વનું પ્રથમ નેનો ખાતર છે. જેના દ્વારા છોડને નાઇટ્રોજન કે ફોસ્ફરસ જેવા તત્વો પ્રવાહી સ્વરૂપમાં સીધા છોડને ઉપલબ્ધ કરાવી શકાશે. નેનો ફર્ટિલાઈઝર પોષક તત્વોથી સમૃદ્ધ, જમીન, પાણી અને હવાના પ્રદુષણને ઘટાડવામાં સમર્થ છે. નેનો ફર્ટિલાઇઝરનો પરિવહન અને જાળવણી ખર્ચ પણ ઓછો છે. સ્પ્રેના કારણે યુરિયા તેમજ ડીએપીનો સંતુલિત ઉપયોગ થાય છે, જે પર્યાવરણ માટે સારું છે.
- Advertisement -
નેનો ફર્ટિલાઈઝરના સંતુલિત ઉપયોગને કારણે છોડમાં રોગો અને જીવાતોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે તેમજ અનાજ, કઠોળ, શાકમાજી, ફળ, ફૂલ અન્ય સહિત તમામ પાકોમાં તેનો ઉપયોગ કરી શકાય છે. ખેતીમાં યુરિયાના આડેધડ ઉપયોગથી થતી ગંભીર સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ નેનો ફર્ટિલાઈઝર દરેક તબક્કે વરદાન સાબિત થશે. નેનો યુરિયા ખેડૂતોને પરંપરાગત યુરિયાની બેગ કરતાં 10 ટકા તથા નેનો ડીએપી એ પરંપરાગત ડીએપીની બેગ કરતાં 50 ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. ખેડૂતો દ્વારા ખેતી પાછળ કરવામાં આવતા ખાતર ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકાશે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા એ.જી.આર- 2 યોજનામાં તમામ ખેડૂતોને કુલ કિંમતના 50 ટકા લેખે પ્રતિ હેકટરના રૂ. 750ની મર્યાદામાં વધુમાં વધુ 4 હેક્ટર માટે રૂ. 3,000 ની મર્યાદામાં એફ સી ઓ – 1985 માન્ય ગ્રેડના સરકાર માન્ય કંપનીના નેનો ફર્ટિલાઇઝરની ખરીદી પર સહાય ઉપલબ્ધ કરાવાઈ રહી છે. ચાલુ વર્ષે આ યોજનામા પોરબંદર જિલ્લામા અંદાજે 1000 જેટલા ખેડૂતોને રૂ. 29.50 લાખની સહાય ચુકવવામા આવશે તેવું આયોજન છે,જેના થકી અંદાજે 3934 હેક્ટર વિસ્તાર આવરી શકાશે. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે.