શિક્ષકની નોકરી છોડી ‘કાર લે-વેચ’ના નામે મહાઠગાઈ
3 મોબાઈલ અને 13 સિમકાર્ડ જપ્ત, 20 ગુના છતાં ઠગાઈનો ધંધો ચાલુ રાખ્યો
આરોપીએ જૂનાગઢ, જામનગર, અમરેલી, વલસાડ, ગાંધીનગર, રાજકોટ, સાબરકાંઠામાં ગુના આચર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ પોલીસે કાર લે-વેચની એપ્લિકેશનના નામે લોકો પાસેથી 73 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર મહેસાણાના વિસનગરના મહાઠગ પિયુષ મહેશભાઈ પટેલ ઉ.વ. 39, રહે. વિસનગરના શખ્સને મુંબઈના દહીંસરમાંથી ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. આરોપી અગાઉ શિક્ષકની નોકરી છોડી આ પ્રકારના ગુના આચરતો હતો. એસપી સુબોધ ઓડેદરાએ આપેલી વિગતો મુજબ, ગત સપ્ટેમ્બરમાં જૂનાગઢના એક ડોક્ટરને ધવલ પટેલ નામથી ફોન કરીને આરોપીએ પોતે ’કાર-24’ માંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરની કારની ઊંચી કિંમત અપાવવાની લાલચ આપીને તેમની કારનો સોદો ફરિયાદી સાથે રૂ. 2.25 લાખની નીચી કિંમતમાં કરાવ્યો હતો. ડોક્ટર પાસેથી રૂ. 2.25 લાખનું આંગડિયું કરાવી પૈસા મેળવી લીધા બાદ આરોપીએ ફોન સ્વીચ ઓફ કરી વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. એ ડિવિઝન પીઆઇ આર. કે. પરમારની ટીમે ટેકનિકલ સ્ટાફની મદદથી તપાસ શરૂ કરતાં ફ્રોડ કરનાર શખ્સ વિસનગરનો પિયુષ કમલેશભાઈ પટેલ હોવાનું જણાયું. ટેકનિકલ ટ્રેસિંગના આધારે આ શખ્સ મુંબઈમાં અલગ-અલગ લોકેશનથી ઓપરેટ કરતો હોવાની હકીકત મળતા એસપીની મંજૂરી બાદ પીઆઇ પરમારે એએસઆઇ ભદ્રેશ રવૈયા સહિતની ટીમને મુંબઈ મોકલી હતી. પોલીસે દહીંસર ખાતેથી પિયુષ પટેલને ફ્રોડ માટે ઉપયોગમાં લીધેલા 3 મોબાઈલ ફોન અને 13 સિમકાર્ડ સાથે દબોચી લીધો હતો. પૂછપરછમાં આરોપી પિયુષે ધવલ પટેલ, અર્પિત પટેલ, હાર્દિક પટેલ સહિત 8 અલગ-અલગ નામોથી ફ્રોડ કરતો હોવાની કબૂલાત આપી હતી. તે ઘકડ જેવી એપ્લિકેશન પર કાર વેચવા મુકનાર માલિકોની જાહેરાત જોઈ તેમને ઊંચા ભાવની લાલચ આપી માહિતી મેળવતો. એ જ શહેરના ઓટો ક્ધસલ્ટન્ટ ડીલરોને નીચા ભાવે કાર અપાવવાની લાલચ આપી સંપર્ક કરતો. બંને પક્ષો (ખરીદનાર અને વેચનાર)ને વિશ્વાસમાં લઈ, ખરીદનાર પાસેથી આંગડિયા મારફત પેમેન્ટ મેળવી લેતો અને બાદમાં મોબાઈલ બંધ કરી દેતો. આરોપીએ જૂનાગઢ, જામનગર, અમરેલી, વલસાડ, ગાંધીનગર, રાજકોટ, સાબરકાંઠા સહિત 11 જિલ્લામાં ગુના આચર્યાની કબૂલાત આપી છે, જેમાં તેણે ભોગ બનનાર પાસેથી કુલ રૂપિયા 73.30 લાખથી વધુની છેતરપિંડી કરી છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ આ જ પ્રકારે છેતરપિંડીના 20 ગુના નોંધાયેલા છે.
જૂનાગઢ એસપીની નાગરિકોને અપીલ
એસપી સુબોધ ઓડેદરાએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા સાઇટ પર વાહન કે વસ્તુ વેચતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી. કોઈપણ વ્યક્તિ, દલાલ કે એજન્ટની લોભામણી લાલચમાં આવવું નહીં. રૂબરૂમાં ખરાઈ કર્યા પછી જ ડોક્યુમેન્ટ અને વાહનની ડિલિવરી મેળવ્યા બાદ પૈસા આપવા. એડવાન્સમાં કે આંગડિયા મારફત પૈસા મોકલવાનું કહેનાર ઈસમોથી સાવધાન રહેવુંનું જણાવ્યું હતું.