ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢમાં 71 લાખની છેતરપિંડીના કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી પિયુષ મહેશભાઈ પટેલ (રહે. વિસનગર, મહેસાણા)ને કોર્ટે 3 દિવસના રિમાન્ડ પર સોંપતાં જૂનાગઢ પોલીસની ટીમ વધુ તપાસ માટે મુંબઈ રવાના થઈ છે.
આ ઠગે કાર માલિકને તેની કારની ઊંચી કિંમત અને ખરીદનારને ઓછી કિંમતે કાર આપવાનું કહીને લોકો પાસેથી 71 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. જૂનાગઢ એ ડિવિઝન પીઆઇ આર. કે. પરમારની ટીમે આ મહાઠગને મુંબઈના દહીંસરમાંથી દબોચી લીધો હતો. મંગળવારે આરોપીને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો, જેમાં અદાલતે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પીઆઇ પરમારે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ મુંબઈમાંથી થઈ હોવાથી, રાઇટર સુરેશભાઈ સહિતની ટીમને આરોપી પિયુષ પટેલને લઈને તપાસ માટે મુંબઈ રવાના કરવામાં આવી છે. પોલીસ આ કેસમાં પિયુષ પટેલની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ સઘન તપાસ અને પૂછપરછ હાથ ધરી રહી છે.