ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર વિધાનસભાના અગાભી પીપળીયા અને કણકોટ ગામના ગ્રામજનોએ રોડ રસ્તાની સુવિધા ન મળતા આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાનના બહિષ્કારનો નિર્ણય કર્યો છે. વાંકાનેર વિધાનસભા બેઠકમાં આવતા અગાભી પીપળીયા અને કણકોટ ગામના લોકો વર્ષોથી તેમના ગામના રોડનો સ્ટેટ હાઈવેમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જો કે હજુ સુધી આ બંને ગામને જોડતા રસ્તાનો સ્ટેટ હાઈવેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને રાજકોટ જીલ્લા પંચાયત દ્વારા તૂટેલા રોડને રીપેર કરવામાં આવતા નથી તેમજ નવો રોડ બનાવવામાં આવતો નથી જેથી કરીને ગામના જાગૃત લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
ગ્રામજનોએ મુખ્ય રસ્તો કે જે ખોરાણાથી કણકોટ સુધીનો જે રસ્તો છે તે સ્ટેટ હાઇવેમાં સમાવવામાં આવે તેવી માંગ કરી હતી તેમ છતાં પણ આ રસ્તાનો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને આ રસ્તાને રીપેર કરવા માટેની કામગીરી રાજકોટ જીલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતી નથી. આટલું જ નહીં પરંતુ નવો રસ્તો બનાવવા માટે થઈને પણ કામગીરી કરવામાં આવતી ન હોવાથી ગ્રામજનોમાં હાલમાં રોષની લાગણી છે અને વિધાનસભાની ચૂંટણીનો અગાભી પીપળીયા તેમજ કણકોટ ગામના લોકો દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે.