ત્રણ મહિનામાં 503 જેટલા અનધિકૃત ધાર્મિક બાંધકામો દૂર કરાયા
વિવિધ ધર્મોના 294 વડાઓ સાથે બેઠક કરી દબાણ દૂર કરવા સમજાવટ કરવામાં આવી છે : સરકારનો દાવો
જાહેર રસ્તા, પાર્ક ખાતે ગેરકાયદે ઉભા કરાયેલા 2975 ધાર્મિક દબાણોને સંદર્ભે સરકારે નોટિસ આપી છે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.23
રાજ્ય સરકારે સોમવારે ગુજરાત હાઇકોર્ટને જાણ કરી હતી કેં સુપ્રીમ કોર્ટના આદેશના પાલનમાં છેલ્લા ત્રણ મહિનામાં જાહેર જગ્યાઓ પરથી 503 જેટલા અનધિકૃત ધાર્મિક બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.
- Advertisement -
આ મામલે થયેલી સુઓમોટો જાહેર રીતની અરજીની સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલએ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની ખંડપીઠને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સ્થાનિક વહીવટી સ્તરે સમિતિઓની રચના કરવા માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે જે નિયમિત ધોરણે આવા માળખાને દૂર કરવા પર દેખરેખ રાખે છે અને સંબંધિત વિભાગોને સ્ટેટસ રિપોર્ટ આપે છે. તેઓએ જણાવ્યું હતું કે, “લગભગ ત્રણ મહિનામાં (22 એપ્રિલ, 2024ના રોજ પિટિશનની છેલ્લી સુનાવણીથી), 503 ધાર્મિક માળખાને દૂર કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લા વિસ્તારોમાં 236 અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 267 સામેલ છે.” વધુમાં, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં આવા બે માળખાને નિયમિત કરવામાં આવ્યા છે, અને 28નું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લામાં 17 અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 11નો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું. રાજ્યના ગૃહ વિભાગના સચિવ દ્વારા 22 એપ્રિલ, 2024 ના રોજ કરાયેલા આદેશ અનુસાર કોર્ટને આ વિગતો આપવામાં આવી હતી. એજીએ કહ્યું કે લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા દરમિયાન કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ઉપરાંત, સ્થાનિક સત્તાવાળાઓએ જાહેર શેરીઓ, જાહેર ઉદ્યાનો અથવા અન્ય જાહેર સ્થળો પરના અનધિકૃત બાંધકામો માટે 2,975 નોટિસ જારી કરી છે, જેમાં જિલ્લામાં 954 અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 2,021 નો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.
લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સ્થાનિક અખબારોમાં કુલ 897 નોટિસો પ્રકાશિત કરવામાં આવી હતી. એડવોકેટ જનરલ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક અધિકારીઓએ સ્થાનિક ધાર્મિક વડાઓ સાથે 294 બેઠકો બોલાવી, તેમને આવા અનધિકૃત ધાર્મિક માળખાંને દૂર કરવા વિનંતી કરી. તેમણે હાઈકોર્ટને જાણ કરી હતી કે રાજ્ય સરકારે 19 એપ્રિલ, 2024ના રોજ એક માર્ગદર્શિકા ઘડી હતી, જેમાં સ્થાનિક સત્તાવાળાઓને 10 દિવસમાં સમિતિઓની રચના કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. “તમામ જિલ્લાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સમિતિઓની રચના કરવામાં આવી છે. ઉપરોક્ત સમિતિઓ દ્વારા આ માર્ગદર્શિકાના અસરકારક અમલીકરણ માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે,” તેમણે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે સમિતિ દ્વારા લેવામાં આવેલા પગલાંની દર ત્રિમાસિકમાં સમીક્ષા કરવામાં આવી હતી.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર જગ્યા પર અતિક્રમણ કરેલા કથિત ધાર્મિક બાંધકામોને દૂર કરવા માટે હાથ ધરવામાં આવેલી ડિમોલિશન ઝુંબેશ અંગે હાઇકોર્ટે 2006માં સુઓ મોટો કાર્યવાહી શરૂ કરી હતી.
સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર સ્થળોએ અનધિકૃત ધાર્મિક સંરચનાઓની ઓળખ કરવા અને તેને દૂર કરવા, સ્થાનાંતરિત કરવા અથવા નિયમિત કરવા અંગે એક વ્યાપક નીતિ ઘડવાનો નિર્દેશ આપ્યો હતો.