હાઈકોર્ટની ટીપ્પણી: ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ રદ કરતા ચુકાદામાં નોંધ
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ, તા.25
વોટસએપ ગ્રુપ પર મુસ્લીમોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો બે વ્યકિતઓ સામેનો કેસ રદ કરતા બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે લોકો આજકાલ ધર્મ પ્રત્યે વધુ સંવેદનશીલ બની ગયા છે અને દરેક વ્યકિત એવુ દર્શાવવા માંગે છે કે તેમનો ધર્મ અને ભગવાન સર્વોચ્ચ છે. લોકોએ બીજાના ધર્મો અને જાતિઓનો આદર કરવો જોઈએ.પરંતુ આની સાથે લોકોએ તિવ્ર પ્રતિક્રિયા આપવાનું ટાળવુ જોઈએ.
- Advertisement -
કોર્ટની નાગપુર બેંચે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે વોટસએપ મેસેજીસ એનક્રિપ્ટેડ હોવાથી થર્ડ પાર્ટી તેને જોઈ શકતી નથી તે જોવુ જોઈએ કે શું તે ભારતીય દંડ સંહિતા હેઠળ ધાર્મિક લાગણીઓને ભડકાવી શકે તેવા છે કે નહિં અને પછી કાર્યવાહી કરવી જોઈએ.
ન્યાયાધીશ વિભા કંકણવાડી અને વૃષાલી જોશીની ડીવીઝન બેન્ચે ધાર્મિક લાગણીઓ ભડકાવવાની જાહેર વ્યવસ્થાનો ભંગ કરવાનો અને ગુન્હાહીત ધાક ધમકીનાં આરોપ હેઠળ એક સૈનિક અને મેડીકલ પ્રેકટીશ્નર સામે દાખલ કરાયેલા 2017 ના એક કેસને રદ કર્યો હતો.
ફરીયાદી શાહબાઝ સિદીકીએ આર્મીમેન પ્રમોદ શેન્દ્રે અને મેડીકલ પ્રેકટિશનર સુભાષ વાઘે પર વોટસએપ ગ્રુપ પર મુસ્લીમ સમુદાય વિરૂદ્ધ અપમાનજનક મેસેજ પોસ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સીદીકી પણ ગ્રુપનો સભ્ય હતો.આરોપીએ મોહમ્મદ પયગંબર સામે સવાલ ઉઠાવીને જણાવ્યું હતું કે વંદે માતરમ ગાવાનો ઈન્કાર કરતાં મુસ્લીમોએ પાકિસ્તાન જતા રહેવુ જોઈએ.
- Advertisement -
પોલીસે દાખલ કરેલી એફઆઈઆર અને ચાર્જશીટને રદ કરીને કોર્ટે જણાવ્યું હતું કે વોટસએપ ચેટસ એન્ડ ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોવાથી ગ્રુપમાં પોસ્ટ કરાયેલા મેસેજ ગ્રુપનો સભ્ય ન હોય તેવા લોકો જોઈ શકતા નથી.
કોર્ટે જણાવ્યું હતું કે, અમે અવલોકન કરવા માટે મજબુર છીએ કે આજકાલ લોકો તેમના ધર્મો અંગે પહેલા કરતા વધુ સંવેદનશીલ બની ગયા છે અને દરેક વ્યકિત એવુ દર્શાવવા માંગે છે કે તેમનો ધર્મ અને ઈશ્વર સર્વોચ્ચ છે જો વ્યકિત કહે છે કે તેનો ધર્મ સર્વોચ્ચ છે તો બીજી વ્યકિતે તરત જ પ્રતિક્રિયા આપવી જોઈએ નહિં.