ટૂંક સમયમાં ટ્રાફિક DCP પૂજા યાદવ શરૂ કરશે ચેકિંગ ડ્રાઈવ
ખાસ-ખબર સંવાદદાતા
જેના વાહનોના ઈ-મેમો ચલણ ભરવાના બાકી છે તેવા વાહનચાલકોને કડક શબ્દોમાં ડીસીપી દ્વારા કહેવાયું છે કે, જલદીથી ઈ મેમો ભરી દેજો નહીંતર વાહન જપ્ત થઈ જશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને ગુનેગારો સરળતાથી ઝડપાઇ જાય તે સહિતના મામલે આઈવે પ્રોજેક્ટ અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનો સદુપયોગ કરવાના બદલે પોલીસે પ્રજાજનોને દંડવાનું શરૂ કરી દેવામાં આવતા આમ જનતામા દેકારો મચી ગયો હતો અને સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જેની હજુ કાર્યવાહી ચાલુ છે.
રાજકોટમાં ફરીથી પેન્ડિંગ ઈ-મેમોની ડ્રાઈવ શરુ થઈ છે. આ અંગે રાજકોટ શહેરના નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પૂજા યાદવની યાદીમાં જણાવ્યા નુસાર ટ્રાફિક કોર્ટ તથા ટ્રાફિક શાખામાં બાકી ઈ-મેમોનુ ખુબ જ ભરાવો થયેલો હોવાથી તેવા ઈ-મેમોનો નિકાલ કરવા માટે જરૂરી પગલા લેવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવેલી હતી. જે મુજબ ડિસેમ્બર-2021થી મે-2022 દરમિયાન જેઓ ઉપર એક,બે અથવા ત્રણ ઈ-મેમો નિકળેલ હોય અને જે ઈ-મેમો ભરવાના બાકી હોય, તેવા ઈ- મેમોમાં સમાધાનકારી વલણ અપનાવી દંડની રકમ ઓછી કરી ઈ-મેમોની સંખ્યા ઘટાડવા માટેની વિચારણા કરવામાં આવી હતી.