પટના હાઈકોર્ટે બુધવારે કોંગ્રેસ પાર્ટીને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પીએમ મોદી અને તેમની માતાના વીડિયોના AI-જનરેટેડ વીડિયોને હટાવવાનો નિર્દેશ આપ્યો છે.
પટણા હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પી.બી. બજંત્રી સમક્ષ સુનાવણી દરમિયાન કોર્ટે આદેશ આપ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીનું અપમાન કરતો આ વીડિયો તાત્કાલિક અસરથી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવે.
હકીકતમાં 10 સપ્ટેમ્બરના રોજ, બિહાર કોંગ્રેસના સત્તાવાર X હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં પીએમ મોદીની માતાને સ્વપ્નમાં જોતા AI-આધારિત ચિત્રણ દર્શાવવામાં આવ્યું હતું.
વીડિયોમાં સ્વર્ગસ્થ હીરાબેન મોદીનું પાત્ર તેમના પુત્રને રાજકીય લાભ માટે તેમના નામનો દુરુપયોગ કરવા બદલ ઠપકો આપતા જોવા મળે છે. એક દ્રશ્યમાં પીએમ મોદી જેવો દેખાતો એક માણસ પથારીમાં સૂઈ રહ્યો છે અને કહે છે, “આજનો મત ચોરાઈ ગયો છે, હવે શાંતિથી સૂઈ જા.” ત્યારબાદ તેની માતા તેના સ્વપ્નમાં દેખાય છે અને તેને સલાહ આપે છે. આ વીડિયોને AI-જનરેટેડ ગણાવવામાં આવ્યો હતો, પરંતુ ભાજપે તેને ઘૃણાસ્પદ અને તેની માતાનું અપમાન ગણાવ્યું. તેઓએ વીડિયો સામે પટના હાઈકોર્ટમાં પણ અરજી કરી.
ભાજપે FIR નોંધાવી
ભાજપે પોતાની ફરિયાદમાં દાવો કર્યો હતો કે, આ વીડિયો માત્ર વડાપ્રધાનની છબીને જ ખરાબ નથી કરતો. પરંતુ મહિલાઓના ગૌરવનું પણ ઉલ્લંઘન કરે છે. દિલ્હી પોલીસે 13 સપ્ટેમ્બરે ભાજપના કાર્યકર સંકેત ગુપ્તાની ફરિયાદના આધારે FIR દાખલ કરી હતી, જેમાં ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ કોંગ્રેસના નેતાઓ સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. FIRમાં આ વીડિયોને પીએમ મોદી અને તેમની માતાની છબીને બદનામ કરતો ગણાવ્યો હતો.
કોંગ્રેસે બચાવ કર્યો
કોંગ્રેસ પાર્ટીએ વીડિયોનો બચાવ કર્યો. પાર્ટીના મીડિયા વડા પવન ખેરાએ કહ્યું, “આ વીડિયો કોઈનું અપમાન કરતો નથી.” માતા ફક્ત તેના બાળકને રાજધર્મના સિદ્ધાંતો શીખવી રહી છે; જો પીએમને તે અપમાનજનક લાગે છે, તો તે તેમની સમસ્યા છે.
ખેરાએ ઉમેર્યું હતું કે વીડિયોમાં કોઈ અપમાન નથી અને ભાજપ તેનો ઉપયોગ સહાનુભૂતિ મેળવવા માટે કરી રહી છે. બિહાર કોંગ્રેસે આ વીડિયો શેર કરવા માટે કોણ જવાબદાર હતું તે શોધવા માટે આંતરિક તપાસ શરૂ કરી છે.




