અન્નનળી, આંતરડા, લીવર, પિતાશય અને કેન્સર જેવા રોગોની થશે તપાસ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. આ દર્દીઓને પુરતી સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.હવે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એન્ડોસ્કોપીની સારવાર વિના મૂલ્યે મળશે. જેથી દર્દીઓને હવે રાજકોટ, અમદાવાદ જવાના ધક્કામાંથી મુક્તી મળશે. જૂનાગઢ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.નયનાબેન લકુમે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે અનેક પ્રકારની સારવાર સાથે સુવિધા ઉપલબ્ધ છે. જેમાં હવે સિવિલમાં દર્દીઓને એન્ડોસ્કોપીની સારવાર મળશે. આ મશીન દ્વારા લોકોના પેટની તકલીફ જેવી કે અન્નનળી, આંતરડા, લિવર, પિતાશય, સ્વાદ પિંડુ, આંતરડાંમાં ચાંદા, કેન્સર જેવા રોગની તપાસ કરવામાં આવશે. આ તપાસ ખાનગી હોસ્પિટલમાં અંદાજિત રૂપિયા 3000 થી 5000 સુધીમાં થાય છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે કરી દેવામાં આવશે. સામાન્ય રીતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ જિલ્લામાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. ત્યારે હવે સિવિલમાં એન્ડોસ્કોપીની સારવાર પણ ઉપલબ્ધ થતા દર્દીઓને રાજકોટ, અમદાવાદ સહિતના મોટા શહેરના ધક્કામાંથી મુક્તી મળશે અને સિવિલમાં જ વિનામૂલ્યે એન્ડોસ્કોપીની સારવાર મળી રહેશે