મહેકમની 5 જગ્યા સામે માત્ર બે જ શિક્ષકો હાજર; BLO ડ્યુટીને કારણે શિક્ષણ પર અસર; 15 દિવસમાં નિરાકરણ નહીં આવે તો તાળાબંધીની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
પાટડી તાલુકાની સેડલા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગંભીર અછતને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શાળામાં ધોરણ 1 થી 8 ના કુલ 197 વિદ્યાર્થીઓ હોવા છતાં, હાલમાં વર્ગખંડમાં ભણાવવા માટે માત્ર બે જ શિક્ષકો ઉપલબ્ધ છે, જેના કારણે બાળકોના શિક્ષણ પર સીધી અસર પડી રહી છે. શાળામાં કુલ પાંચ શિક્ષકોનું મહેકમ છે, પરંતુ તેમાંથી ત્રણ શિક્ષકો બૂથ લેવલ ઓફિસર (ઇકઘ)ની ડ્યુટીમાં વ્યસ્ત છે. આથી, શિક્ષણનું કાર્ય માત્ર બે શિક્ષકોના ભરોસે ચાલી રહ્યું છે. સેડલા ગ્રામ પંચાયતે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરી હતી. સરપંચ મોબતખાન મલેકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ધોરણ 6 થી 8 માં બે શિક્ષકો ફરજ બજાવે છે અને એક શિક્ષકની ઘટ છે, જ્યારે ધોરણ 1 થી 5 માં પણ બે શિક્ષકોની ઘટ છે. આમ, શાળામાં કુલ ત્રણ શિક્ષકો અને એક આચાર્યની જગ્યા ખાલી છે.
- Advertisement -
સરપંચ મોબતખાન મલેક સહિત ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી 15 દિવસમાં આ શિક્ષક અછતની સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો તેઓ ઢોલ-નગારા સાથે શાળાને તાળાબંધી કરશે, જેથી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં ન થાય.



