ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
વિશ્વભરમાં છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી કોરોનાનું જોખમ યથાવત છે. આ મહામારીએ સ્વાસ્થ્યને અનેક પ્રકારનું નુકશાન પહોંચાડ્યુ છે. વેક્સિનેશન અને હર્ડ ઈમ્યુનિટિના કારણે કોરોનાના ગંભીર રોગનું જોખમ હવે ઘણી હદ સુધી ઘટી ગયું છે પરંતુ આરોગ્ય નિષ્ણાતો તમામ લોકોને આ ચેપી રોગ અંગે સાવચેતી રાખવાની સલાહ આપે છે. કોરોનાના જોખમથી હજુ સંપૂર્ણ રીતે રાહત પણ નહોતી મળી ત્યાં હવે યુરોપીય દેશોમાં હાલમાં વધુ એક ચેપી રોગ તબાહી મચાવી રહ્યો છે.
- Advertisement -
આ બીમારી માટે પણ એક પક્ષીને જ કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે, આ વખતે આ બીમારીનું કારણ ચામાચીડિયુ નથી. તાજેતરના રીપોર્ટ પ્રમાણે યુરોપના અનેક દેશોમાં પેરટ ફીવરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને આ ગંભીર બીમારીના કારણે 5 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. આ બીમારીનો શિકાર બનેલા ડેનમાર્કમાં 4 અને નેધરલેન્ડમાં 1 વ્યક્તિનું મોત થઈ ચૂક્યુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO)ના જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વીડનમાં ડઝનો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ લોકોને આ ચેપી રોગના જોખમને લઈને સાવધાન રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. પેરટ ફિવરને સિટાકોસિસના નામથી પણ ઓળખવામાં આવે છે.
તે એક દુર્લભ પરંતુ સંભવિત રીતે ગંભીર જીવાણુ સંક્રમણ છે જે ક્લેમાઈડિયા સિટાસી નામના જીવાણુના કારણે થાય છે. આ સંક્રમણ મુખ્યત્વે પક્ષીઓ, ખાસ કરીને પોપટ, કબૂતર અને મરઘીઓને પ્રભાવિત કરે છે. સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવવાને કારણે મનુષ્યોમાં પણ ચેપ લાગવાનું જોખમ રહે છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના ડેટા પ્રમાણે સંયુક્ત રાજ્ય અમેરિકામાં વર્ષ 2010 બાદથી દર વર્ષે પેરટ ફીવરના લગભગ 10 કેસ નોંધાઈ છે. જો કે, ઘણા મામલાઓનું નિદાન કે રિપોર્ટ નથી થઈ શકતો કારણ કે તેના લક્ષણો અન્ય બીમારીઓના સમાન હોય છે.