દરેક બ્રહ્માંડમાં ત્રિલોકનું અસ્તિત્વ છે, જેનાં વિશે આપણે નાનપણથી સાંભળતાં આવીએ છીએ. પરંતુ ત્રિલોકનો કોન્સેપ્ટ આપણે ત્યાં થોડો જુદી રીતે વ્યાખ્યાયિત થયો છે. સ્વર્ગ, પૃથ્વી અને નર્ક (પાતાળ)! પરંતુ વાસ્તવિકતામાં, ત્રિલોક કુલ ચૌદ વિવિધ લોકમાં વિભાજીત થયેલું છે:
પરખ ભટ્ટ
· સત્યલોક
· તપોલોક
· જનલોક
· મહર્લોક
· સ્વર્ગલોક
· ભુવર્લોક
· ભૂલોક
ઉપરોક્ત સાત લોકની ગણના ઉચ્ચ પ્રકારનાં ભુવનોમાં થાય છે. જ્યારે એ સિવાયનાં સપ્ત લોક એટલે કે,
- Advertisement -
· અતલ
· વિતલ
· સુતલ
· રસાતલ
· તલાતલ
· મહાતલ
· પાતાલની ગણના નિમ્ન સ્તરનાં ભુવનોમાં થાય છે.
પુરાણોમાં થયેલા ઉલ્લેખ મુજબ, ઉપરોક્ત તમામ ચૌદ લોકની અધિષ્ઠાત્રી દેવી દુર્ગા છે. સર્વે સૃષ્ટિનું નિયમન તેમની આદિશક્તિ વડે થતું રહે છે. આથી કેટલાક સંસ્કૃત સાહિત્યોમાં ત્રિલોકને ‘દેવી ધામ’ પણ કહેવાયા છે. જેમ જેમ આત્માનું મમત્વ છૂટતું જાય એમ એમ તેનું પ્રયાણ ઉર્ધ્વલોક તરફ થવા માંડે છે. મોક્ષપ્રાપ્તિ એટલે બીજું કશું જ નહીં, પરંતુ આત્માનું ભૂલોક છોડીને ઉર્ધ્વ (એટલે ભુવર્લોક અથવા સ્વર્ગલોક) તરફનું ગમન. હિંદુ ધર્મમાં કર્મને વિશેષ મહત્વ આપવા પાછળનું કારણ આ છે! તદ્દન નિમ્ન સ્તરનો કુકર્મી જીવ જ્યારે સારા કર્મો કરવાનું શરૂ કરે છે ત્યારે તે પાતાળમાંથી મહાતળમાં આવે છે અને ત્યારબાદ ધીરે-ધીરે ઉર્ધ્વદિશામાં આગળ વધીને ભૂલોક તરફ! માનવ-અવતારને ઇશ્વરીય ભેટ એટલે જ ગણવામાં આવે છે કેમકે, મનુષ્યનો આત્મા કેટલાય જન્મો સુધી અધોલોકમાં રહ્યા બાદ ભૂલોકમાં આવ્યો હોય છે. માનવજીવન દરમિયાન તેણે કરેલા દુષ્કર્મો તેનાં આત્માને ફરી અધોલોક તરફ પ્રયાણ કરવા મજબૂર કરે છે. મટિરિયલ વર્લ્ડ (ભૌતિક જગત)ની મોહમાયા છોડીને આત્મા ઉર્ધ્વલોક તરફ જઈ શકે એ માટે સત્કર્મો કરવા આવશ્યક છે.
જૈન ધર્મમાં પણ સાત સ્વર્ગ અને અને સાત નર્કને સ્થાન આપવામાં આવ્યું છે. આત્મા માટે સૌથી નિર્ણાયક સ્તર ભૂલોક છે. જ્યાં તે જન્મ લે છે, જીવે છે અને તેનાં નશ્વર દેહનો અંત આવે છે. સાધુ-મહાત્મા કે કોઇ ઉચ્ચકોટિનાં દિવ્યાત્માનો દેહ જ્યારે પંચ મહાભૂતમાં ભળે ત્યારે તેમને મોક્ષપ્રાપ્તિ થઈ જાય છે, એવું વડીલો કહેતાં આવ્યા છે. મોક્ષ એટલે શું એ પ્રશ્ન અહીં બહુ અગત્યનો છે. સ્પિરિચ્યુલ-ધાર્મિક વ્યાખ્યાનોમાં તેની પરિભાષિત કરવા માટે એવા પ્રકારની ભાષાનો ઉપયોગ થાય છે, જે આજનાં યંગસ્ટર્સ માટે સમજવી થોડીક મુશ્કેલ છે. સાવ સરળ રીતે કહેવું હોય તો, મોક્ષ એટલે ભૂલોકની ઉપરનાં છ ઉર્ધ્વલોક તરફ આત્માનું પ્રયાણ!
- Advertisement -
સત્યલોક
બ્રહ્માંડ-રચયિતા ભગવાન બ્રહ્મા, એમની અર્ધાંગિની દેવી સરસ્વતી, એમનાં માનસપુત્રો સાથે જ્યાં વસવાટ કરે છે, એ સત્યલોક (બ્રહ્મલોક)! સૃષ્ટિચક્ર પૂરું થવાની તૈયારીમાં હોય, મહાવિષ્ણુ જ્યારે પોતાની લીલા સંકેલી બ્રહ્માંડોનું પુનઃસર્જન કરવા ઇચ્છતાં હોય એ સમયે સત્યલોકથી ૨,૬૩,૦૦,૦૦૦ યોજન દૂર આવેલા વૈકુંઠમાં સર્વે આત્માઓનું પ્રયાણ થાય છે. એનો અર્થ એ કે, સૃષ્ટિચક્રનું અસ્તિત્વ હોય ત્યાં સુધી જ સિદ્ધાત્માઓ સત્યલોકમાં વસવાટ કરી શકે છે.
તપોલોક
બ્રહ્માનાં ચાર પુત્ર સનત, સનક, સનાંદન અને સનાતન આ લોકમાં વસવાટ કરે છે. ભગવાન વિષ્ણુનાં સર્વપ્રથમ અવતાર (મત્સ્ય અવતાર સિવાયની એક થિયરી મુજબ) માં તેમની ગણતરી થાય છે. ચારેય કુમારો જ્ઞાન-શક્તિનાં રૂપક છે. બ્રહ્માંડનાં સૃષ્ટિચક્ર દરમિયાન તેમની ઉંમર પાંચ વર્ષનાં બાળક જેટલી જ રહેતી હોવાને કારણે તેમને પુરાણોમાં ‘કુમાર’ કહેવાયા છે. ચારેય સિદ્ધાત્માઓ પોતાનાં યોગબળનાં આધારે ઇચ્છાનુસાર બ્રહ્મલોક (સત્યલોક)માં આવન-જાવન કરી શકે છે. વૈકુંઠ સહિત અન્ય તમામ ત્રિભુવનનાં દ્વાર એમનાં માટે સદાય ખૂલ્લા રહે છે. સત્યલોકથી ૧૨ કરોડ યોજન નીચે તપોલોક હોવાનું શાસ્ત્રોમાં વર્ણન છે!
જનલોક અને મહર્લોક
તપોલોકથી ૮ કરોડ યોજન અધોદિશામાં આવેલા જનલોકમાં મહાઋષિ અને પુણ્યાત્મા વસવાટ કરે છે. તેનાથી બે કરોડ યોજન નીચે મહર્લોક છે. જેમાં ભૃગુ ઋષિ (એ પુણ્યાત્મા, જેમણે ભગવાન વિષ્ણુને પૃથ્વી પર રામ તરીકે જન્મ લઈને મનુષ્યનું કષ્ટદાયક જીવન જીવવાનો શ્રાપ આપ્યો હતો!) વસવાટ ધરાવે છે. પ્રકાશ કરતાં પણ વધુ ઝડપે ગતિ કરનાર અહીંની આત્માઓનું એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર નિરંતર ગમન-આગમન થતું રહે છે. જનલોક અને મહર્લોકમાંની સિદ્ધાત્માઓનો જીવનકાળ પરમપિતા બ્રહ્માનાં એક દિવસ (૪.૩૨ અબજ વર્ષ) બરાબર હોય છે. સૃષ્ટિનાં અંત સમયે મહાદેવનું ત્રીજું નેત્ર ખૂલતાંની સાથે જ્યારે બ્રહ્માંડનો નાશ થવાનું શરૂ થાય છે, ત્યારે તેમનાં નેત્રમાંથી નીકળી રહેલી અગનજ્વાળા આ બંને લોક સુધી પણ પહોંચે છે. એ સમયે અહીંની સિદ્ધાત્માઓ પોતાનાં તપોબળનો આશરો લઈ, ઉર્ધ્વદિશામાં સત્યલોક તરફ પ્રયાણ કરે છે. આખરે શિવની અગનજ્વાળા સમગ્ર બ્રહ્માંડનો સર્વનાશ કર્યા બાદ સત્યલોક સુધી પહોંચે ત્યારે નવ-નિર્માણ પામી રહેલી જીવસૃષ્ટિમાં તેમનો આત્મા નશ્વર દેહની પ્રાપ્તિ કરી લે છે અને શરૂ થાય છે, નવો સતયુગ!
સ્વર્ગલોક
ઉર્ધ્વદિશામાં ૮૦ હજાર યોજનની ઉંચાઈ પર મેરૂ પર્વતની ટોચ પર સ્વર્ગલોક હોવાનો ઉલ્લેખ આપણા પુરાણોમાં થયેલો છે. સ્વર્ગલોક એ તેત્રીસ કોટિ (૩૩ પ્રકારનાં) દેવતાઓનું નિવાસસ્થાન છે. સ્વર્ગનાં દેવતા ઇન્દ્ર પોતાનાં ભાઈઓ અને પ્રજા સાથે અહીં વસવાટ ધરાવે છે. ગાંધર્વ, મરુત, અપ્સરા તેમજ વસુ સહિત અન્ય દિવ્યાત્માઓ સ્વર્ગલોકની શોભા છે.
મોટાભાગનાં સંસ્કૃત સાહિત્યોમાં સ્વર્ગલોકનું વર્ણન વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે. જાહોજલાલી અને ઐશ્વર્યસભર સ્વર્ગનાં દેવોનું કાર્ય બ્રહ્માંડને સુચારુરૂપે ચલાવવાનું છે. સ્વર્ગલોકનાં અમરાવતી (એવું શહેર, જ્યાંનાં જીવો અમર છે)માં ઇન્દ્ર-ઇન્દ્રાણી પોતાનાં પરિવાર, કામધેનુ ગાય, ઉચ્છૈશ્રવા અશ્વ અને ઐરાવત હાથી સાથે બિરાજે છે.
દેવ-દાનવ વચ્ચેનું યુદ્ધ અહીં અવિરતપણે ચાલતું રહે છે. દેવોએ છળ કરીને પચાવેલું અમૃત દાનવો હવે પરત મેળવવા માંગે છે. જયેષ્ઠ હોવાનાં લીધે તેઓ સ્વર્ગ પર પોતાનું આધિપત્ય જમાવવા આતુર છે, જેનાં લીધે અહીં ઉચ્ચ અને નીચ કોટિની આત્મા વચ્ચે સતત સંઘર્ષ થતો રહે છે. ભુવર્લોકમાંથી ઉર્ધ્વદિશામાં આવેલી આત્મા પાસે સ્વર્ગલોકમાં બે વિકલ્પ હોય છે : (૧) તપોબળ અને યોગસાધના વડે જનલોક-મહર્લોક સુધી જઈ પહોંચે અથવા તો, (૨) સ્વર્ગનાં ઐશ્વર્ય અને મોહમાયામાં સપડાઈને ફરી અધોદિશામાં એટલે કે ભુવર્લોક અથવા પૃથ્વીલોક (ભૂલોક) પર પરત ફરે!
ભુવર્લોક
આપણા સૂર્યમંડળ સમાન રચના ધરાવતો ભુવર્લોક પૃથ્વી પરથી સત્કર્મો કરીને મોક્ષ પામી ચૂકેલા સિદ્ધાત્માનું વસવાટ સ્થળ છે, જેમનું મુખ્ય કાર્ય સ્વર્ગલોકમાં રહેલા દેવોનાં કામમાં મદદ કરવાનું તેમજ કેટલીક વખત મનુષ્યને યોગ્ય દિશા (એલિયન્સ..!?) ચીંધાડવાનું છે. સ્વર્ગની માફક અહીં પણ પુષ્કળ ઐશ્વર્ય છે. તેનાં મોહમાં ફસાયેલો આત્મા પુનઃ મનુષ્ય અવતાર ધારણ કરીને જન્મ-મરણમાં વિષચક્રમાં ગતિમાન થઈ જાય છે!
બેઝિકલી, પૃથ્વી એટલે મૃત્યુલોક. અહીંના જીવોનું આયુષ્યકાળ નિશ્ચિત છે. ભૂલોક પર આત્મા નશ્વરદેહરૂપે જન્મ લે છે અને અવધિ પૂરી થતાં મૃત્યુ પામે છે. જન્મ-મરણનું આ ચક્ર જુદા જુદા સ્વરૂપમાં ચાલ્યા રાખે છે. પ્રાણી, પશુ, વનસ્પતિ કે પછી નિર્જીવ પદાર્થ… દરેક પાસે પોતાનું એક ચોક્કસ આયુષ્ય છે. પરંતુ સાત પૃથ્વી ધરાવતાં આપણા ભૂમંડળમાં પૃથ્વી સિવાયનાં પણ છ એવા ગ્રહોનું વર્ણન છે, જ્યાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ સદીઓથી ચાલ્યું આવે છે : (૧)જાંબુદ્વીપ (૨) પ્લાક્ષદ્વીપ (૩) સલમલી દ્વીપ (૪) કુશદ્વીપ (૫) ક્રૌંચદ્વીપ (૬) શકદ્વીપ અને (૭) પુષ્કરદ્વીપ.
જેમાંથી જાંબુદ્વીપ એટલે આપણી પૃથ્વી! બાકીનાં છ દ્વીપો (વિવિધ ગ્રહો) આકાશગંગામાં પૃથ્વીની ફરતે અબજો યોજનને અંતરે ભ્રમણ કર્યા રાખે છે. શ્રીમદ ભાગવતમમાં જણાવ્યાનુસાર, જાંબુદ્વીપ સિવાયનાં છ દ્વીપો પર આવેલા સમુદ્રો વધુ અફાટ અને અનંત રીતે વિસ્તરેલા છે. તેની આજુબાજુનો જમીન વિસ્તાર પૃથ્વી કરતાં ક્યાંય વધુ છે. આ ગ્રહો પર વસી રહેલા જીવો પણ મનુષ્યદેહ ધરાવે છે, તેઓ પણ જન્મ-મરણનાં ચક્રને અનુસરે છે! અલબત્ત, તેમનો આયુષ્ય-કાળ આપણા કરતાં ઘણો વધારે છે, કારણકે પ્લાક્ષદ્વીપથી માંડીને શકદ્વીપ સુધીનાં તમામ દ્વીપો પર હજુ પણ ત્રેતાયુગ ચાલી રહ્યો છે. (તેઓ ટેક્નોલોજી ક્ષેત્રે આપણા કરતાં પણ વધુ એડવાન્સ્ડ છે. પૃથ્વી પરનાં જીવોને તેઓ અવારનવાર મુલાકાત આપતાં રહે છે. શક્ય છે કે હાલ જેને એલિયન્સ તરીકે ખપાવવામાં આવી રહ્યા હોય એ વાસ્તવમાં શ્રીમદ ભાગવતમમાં વર્ણવ્યાનુસારનાં દ્વીપો પર વસવાટ ધરાવતાં જીવો હોય!!) વેદ-પુરાણનો આશરો લઈને અગર ખગોળશાસ્ત્રીઓ આ તમામ ગ્રહો સુધી પહોંચવામાં સફળ રહ્યા તો ખરેખર શક્ય છે કે, આપણી સામે પૃથ્વી સિવાયનું એક એવું વિશ્વ ખૂલી જાય જ્યાં ઉચ્ચસ્તરનું જીવન જીવાઈ રહ્યું છે!
ભૂલોકથી ૭૦,૦૦૦ યોજન અધોદિશામાં આવેલા સાત પ્લાનેટરી સિસ્ટમ (અધોલોક) – અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ – ને શાસ્ત્રોમાં ‘બિલા સ્વર્ગ’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. તેમનું સ્થાન ભલે ઊર્ધ્વલોક અને ભૂલોકની નીચેનું હોય એમ છતાં અધોલોકનું રાચરચીલું અને સુખ-સગવડો સ્વર્ગલોક કરતાં પણ વધારે છે. મટિરિયાલિસ્ટિક પ્લેઝર (ભૌતિક ચીજવસ્તુનો આનંદ) અહીં વધુ પ્રમાણમાં છે. એનું મુખ્ય કારણ એ કે, ઊર્ધ્વલોક અને ભૂલોકમાંથી પણ અધોગતિ મેળવીને અહીં આવી પડેલા જીવોને આધ્યાત્મિકતા કે મોક્ષપ્રાપ્તિ સાથે કશી નિસ્બત જ નથી. તેમને ફક્ત ધનવૈભવ અને એશ્વર્યમાં રસ છે!
અધોલોકમાં ક્યાંય સૂર્યપ્રકાશનું નામોનિશાન નથી. ચારેકોર કાળુડિબાંગ અંધારું છે! જેને કુદરતી રીતે પ્રકાશિત કરી શકવું અસંભવ છે, આથી અધોલોકનાં જીવ પોતાનાં ગ્રહોને પ્રકાશિત કરવા માટે હીરામોતી-માણેકનાં પરાવર્તન (રિફ્લેક્શન)નો ઉપયોગ કરે છે! કુદરતી સૂર્યપ્રકાશની ગેરહાજરી હોવાને કારણે દિવસ-રાતનું કોઇ ચક્ર અહીં ચાલુ નથી. આથી તેમને સમયનો કોઇ ભય જ નથી! આધ્યાત્મિકતાનો અભાવ હોવાને કારણે અધોલોકનાં જીવોનો શારીરિક દેખાવ પ્રમાણમાં થોડો ભયાનક! મોટા શિંગડા, અણીદાર લાંબા નખ, પીળા પડી ગયેલા ધારદાર દાંત એ એમની ઓળખ છે. પુરાણોમાં જેનાં સવિસ્તાર વર્ણન અપાયા છે એ, દાનવ-દૈત્ય-કાલકેય-રાક્ષસ-નાગ વગેરે જીવોનું પોતપોતાનાં લોકમાં રાજ છે. મોક્ષપ્રાપ્તિની ઇચ્છાથી વિમુખ થઈ ચૂકેલા આ જીવો, સતત ભૌતિક ઐશ્વર્યમાં જ રમમાણ રહે છે. તેમનાં માટે સંભોગ, મદિરાપાન અને નાચગાન એ જ જીવન છે! મૃત્યુથી અંતર બની રહે તેમજ તેઓ અજર રહી શકે એ માટે ખાસ પ્રકારનાં પેયનું પાન કરે છે, જે તેમને તમામ પ્રકારની શારીરિક તકલીફો અને આધિવ્યાધિ-ઉપાધિથી દૂર રાખે છે.
ઊર્ધ્વલોકનાં જીવોથી તદ્દન વિપરીત એવું ભોગવિલાસી જીવન જીવી રહેલા અધોલોકનાં જીવો ક્યારેય મોક્ષપ્રાપ્તિનો અનુભવ નથી કરી શકતાં. તેમને સુખી થવા માટે સતત સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. તપ-સાધના-યોગ વડે તેમને સર્વપ્રથમ ભૂલોક સુધી પહોંચવાની તક મળે છે. પરંતુ ત્યારબાદ ઉર્ધ્વલોકમાં પહોંચવા માટે તેમણે પોતાનું સમગ્ર જીવન આત્મ-સાક્ષાત્કાર માટે સમર્પિત કરી દેવું પડે છે! દાનવ, રાક્ષસ, નાગ જેવા જીવોની પત્ની તેમજ બાળકો પણ મોક્ષપ્રાપ્તિની ઇચ્છા નથી ધરાવતાં હોતાં.
અહીં એક એવો પ્રશ્ન ઉદભવી શકે કે, પૃથ્વી પર મોહમાયામાં લપેટાયેલા તમામ જીવો ફરી-ફરીને અધોલોકમાં આવી જતાં હશે કે શું? એનો જવાબ છે, ના! પૃથ્વી પર કરેલા કુકર્મો સાથે આત્મા ક્યારેય અધોલોકમાં સ્થાન નથી મેળવી શકતો. પોતાનાં કર્મોનું ફળ મેળવ્યા બાદ જ આત્મા અધોદિશામાં પ્રસ્થાન કરે છે. મનુષ્ય તરીકે જન્મ લઈ ચૂકેલો આત્મા વનસ્પતિ, પ્રાણી, ફળ, ફૂલ, જીવજંતુ કે નિર્જીવ પદાર્થ તરીકે સેંકડો વર્ષ સુધી ભૂલોક પર અટવાયેલો રહે છે. તેનાં કર્મોનું ચક્ર પૂરું થયા બાદ તેને અધોલોકમાં પ્રવેશ મળે છે, જ્યાં તેનો જન્મ ફરી નવા અવતારે થતો રહે છે! શાસ્ત્રોક્ત કથા અને પુરાણોક્ત લખાણોથી વાકેફ હશો તો તમને રાજા બલિ અને ભગવાન વિષ્ણુની વાત જરૂર યાદ હશે.
શ્રી વિષ્ણુનાં પાંચમા અવતાર એટલે કે ભગવાન વામને બલિ મહારાજને વરદાન આપ્યું હતું કે, તેઓ હવે પછીનાં મનવંતરમાં સ્વર્ગનાં રાજા ઇન્દ્રનો હોદ્દો મેળવશે! મહારાજા બલિની બેકસ્ટોરી એવી કંઈક છે કે, અધોલોકમાંના સુતલને પોતાનું રહેઠાણ બનાવનારા અસુર-સમ્રાટ બલિને સમગ્ર ભૂલોક પર વિજય મેળવવાની ઇચ્છા હતી. જેનાં લીધે તેઓ પૃથ્વી પર યજ્ઞ આદરે છે અને ભગવાન વિષ્ણુનો વામન અવતાર તેમની પાસેથી ત્રણ પગલા જમીન દાનમાં માંગીને ત્રિભુવન-સ્વામી બની જાય છે. અહીં ફરી એકવાર આત્માની ઊર્ધ્વગતિ તરફ પ્રયાણ કરવાની વાત પ્રદર્શિત કરવામાં આવી છે. સુતલ પરથી ભૂલોક અને ત્યારબાદ શ્રીવિષ્ણુનું વરદાન મેળવીને સ્વર્ગલોક (ઊર્ધ્વલોક) સુધીની સફર!
મહાતલ અને પાતાલમાં સૌથી નિમ્નકક્ષાનાં પેટે સરકતાં જીવોનો વાસ છે. તમામ સર્પ-પ્રજાતિઓ અને અર્ધમનુષ્યદેહ ધરાવતાં નાગ લોકોનું અહીં સામ્રાજ્ય છે! દરેક નાગ પાસે પોતાનો એક ખાસ પ્રકારનો મણિ છે, જે તેને જન્મતાંવેંત વરદાનરૂપે મળ્યો હોય છે. (આજકાલની સીરિયલોમાં દેખાડાતાં ‘નાગમણિ’નાં કોન્સેપ્ટની ઉઠાંતરી અહીંથી કરવામાં આવી છે!!) બુદ્ધનાં સમયમાં લખાયેલ સાહિત્યોમાં કુલ આઠ નાગ-રક્ષક અથવા નાગરાજનો ઉલ્લેખ છે : ઉત્પલ, અનાવતપ, બલવાન, સાગર, ઉપાનંદ, નંદ, તક્ષક અને વાસુકી. ચાઇનીઝ અને જાપાનીઝ સાહિત્યોમાં આઠ ‘ડ્રેગન કિંગ્સ’ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે! શ્રાદ્ધપક્ષમાં યાદ કરાતાં પિતૃનું સ્થાન પાતાલમાં હોય છે એવું શાસ્ત્રો જણાવે છે.