ખેંચને લીધે સ્પેરપાર્ટ્સ બદલવાના પૈસા નથી: 3 બોઇંગ 777 સહિત 11 વિમાનો ભૂમિ પર જ રહ્યા
ખાસ-ખબર સંવાદદાતા
એક તરફ ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી ઉપર ઉડી રહ્યું છે ત્યારે પાકિસ્તાન પાસે પોતાની એરલાઇન્સ ’પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ’ (પી.આઇ.એ) ચલાવવાના પૈસા નથી. અરે ! દેશના નાગરિકોને પણ રોજી રોટી આપવા માટે પણ પાકિસ્તાનને કેટલાયે દેશો પાસેથી કર્જ લેવું પડયું છે. વાસ્તવમાં પાકિસ્તાન અત્યારે ગળાડૂબ દેવામાં છે. થોડા સમય પહેલાં જ તેણે આઇ.એમ.એફ. પાસેથી અબજો ડોલરની લોન લીધી છે. પરંતુ તેવું લાગે છે કે, આટલી મોટી રકમ પણ પાકિસ્તાનનું દારિદ્રય ઓછું કરી શકે તેમ નથી. પાકિસ્તાનની સ્થિતિ એ છે કે તેની પાસે એરલાઇન્સ ચલાવવાના પણ પૈસા નથી.
- Advertisement -
પાકિસ્તાન પાસે 3 બોઇંગ 777 વિમાનો છે. તે વિમાનોના તેમજ અન્ય 8 વિમાનોના સ્પેર પાર્ટસ માટે તેની પાસે પૈસા નથી. તેથી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના કુલ 11 વિમાનો અત્યારે ભૂમિ ગત રહ્યા છે. પી.આઇ.એ.ના જ એક અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર હસ્તકની કંપનીના ટીમ મેનેજમેન્ટ નાણાંકીય ભીડને લીધે છેલ્લા ત્રણ વર્ષમાં 11 વિમાનો ભૂમિગત જ રાખ્યા છે. મોંઘવારી અને પેટ્રોલિયમ પ્રોડક્ટસની કીંમતમાં વધારો થવાથી તે વિમાનોની દેખભાળ જ થઈ શકતી નથી. પોતાનું નામ નહી છાપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય તેમજ દેશના આંતરિક માર્ગો પર ચાલતા પીઆઇએના 31 વિમાનોમાંથી 11 વિમાનો કરાચી અને ઇસ્લામાબાદ વિમાનગૃહો ઉપર રોકી રખાયા છે. પૈસાની ખેંચને લીધે સ્પેરપાર્ટસ ખરીદી નહી શકાતા ધીમે ધીમે આ વિમાનોની કાર્યવાહી બંધ કરવામાં આવી છે.