હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલું: તપાસ ટીમ ઘટનાસ્થળે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પાદરાના મૂજપુર ખાતે તૂટી પડેલા ગંભીરા બ્રિજની ઘટના બાદ આજે બીજા દિવસે વહેલી સવારથી જ માર્ગ અને મકાન વિભાગની વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરે તપાસ માટે પહોંચી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશોને અનુસંધાને આજે સવારથી મુખ્ય ઇજનેર સી. પટેલ અને એન. કે. પટેલ સહિત અધિક્ષક ઇજનેર કે.એમ. પટેલ, એમ. બી. દેસાઈ અને એન. વી. રાઠવા પણ તપાસમાં જોડાયા હતા.
વડોદરા જિલ્લાના પાદરા પાસે ગઈકાલે સવારે બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હવે પણ કેટલાક લોકો લાપતા છે. મળતી માહિતી મુજબ, દુર્ઘટના બાદ કુલ 8 લોકો લાપતા હોવાનું પ્રથમ અનુમાન લગાવવામાં આવ્યું હતું. તેમાંથી બે પુરુષોના મૃતદેહો આજે મળી આવ્યા છે, અત્યાર સુધી મૃતકોની સંખ્યા 16 પર પહોંચી છે. જ્યારે હજુ પણ છ વ્યક્તિઓની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. દૂર્ઘટનાને પગલે એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્રે મળીને આજે પણ શોધખોળના કાર્યને વધુ ગતિ આપી છે. વહેલી સવારે થયેલા ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળતાં મૃતકોની સંખ્યા વધી ને 16 થઇ ગઈ છે. મૃતદેહને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા સહિત જિલ્લા તંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. તંત્ર અને પોલીસ વિભાગે આખી રાત ઘટનાસ્થળે ધામા નાખ્યા હતા. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મૃત્યુ થયાના છે.
ભારે વરસાદ અને નદીના વધી ગયેલા સ્તરના કારણે રેસ્ક્યૂમાં અવરોધો ઊભા થઈ રહ્યાં છે. તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને સહાય અને લાપતાઓની શોધમાં દરેક સંભવ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. એવા ટેન્કર અને વાહનો શોધવામાં આવી રહ્યા છે જેમાં રસાયણ ભરેલું હોઈ શકે. કોઈ પ્રકારનું કટોકટી સર્જાય નહીં એ દિશામાં પણ પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ પણ આજે સવારે સ્થળની મુલાકાત લીધી હતી. તૂટી પડેલા ભાગને વધારે નુકસાન ના થાય તે માટે કલેક્ટર દ્વારા જરૂર પડશે તો તેનું નિયંત્રિત રીતે તોડાણ કરવાની સૂચના આપવામાં આવી છે. તંત્ર હવે ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે પગલાં લેશે તેવા સંકેતો મળ્યા છે.